Result : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (gujarat board result) દ્વારા લેવાયેલી પરીક્ષાના અંદાજે 46 દિવસ બાદ 15.28 લાખ વિદ્યાર્થીઓની (students) આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. નવા સપ્તાહમાં પરિણામોનો ધમધમાટ શરૂ થશે, જેમાં સોમવારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ, જ્યારે બુધવારે ધોરણ 10ના પરિણામો જાહેર કરવામાં આવી શકે છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે શૈક્ષણિક પરિણામો હવે બોર્ડની સત્તાવાર વેબસાઈટ (website) પર ગણતરીના દિવસોમાં ઉપલબ્ધ થશે.
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ગત તા. 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, જે ક્રમશઃ 18 માર્ચે પૂર્ણ થઈ હતી. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ 15,27,724 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 10માં કુલ 9,07,175 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 7,69,994 નિયમિત, 19,825 ખાનગી, 70,702 રિપીટર,5386 ખાનગી રિપીટર અને 41,286 પૃથ્થક વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે કુલ 5,01,286 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 4,37,279 નિયમિત, 35,174 ખાનગી, 15,813 રિપીટર, 7873 ખાનગી રિપીટર અને 5417 પૃથ્થક વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 સાયન્સમાં 1,19,263 વિદ્યાર્થીઓ પૈકી 1,11,294 નિયમિત 7990 રિપીટર અને 279 પૃથ્થક વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ધોરણ 10 (SSC)નું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવી શકે છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શાળાઓમાં પણ પરિણામ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન જોઈ શકશે. પરિણામ જાહેર કરવા માટે બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને સરળતાથી પરિણામ મળી રહે તે માટે જરૂરી ટેકનિકલ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.