Gujarat: ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું હતું. વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે.વિધાનસભાના અધ્યક્ષને ઈમેઈલ કરીને કેતન ઈનામદારે મોડી રાતે જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. કેતન ઈનામદારે પોતાના ત્રણ લાઈનના પત્રમાં લખ્યું હતું કે હું કેતન કુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરુ છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.
કેતન ઈનામદારે ત્રણ લાઈનનું રાજીનામું લખ્યું હતું. તેમણે મોડી રાત્રે 1.35 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને ઈ-મેઈલ કર્યો હતો. પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઈનામદાર પ્રથમ ધારાસભ્ય છે. કેતન ઇનામદાર 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર તેઓ ધારાસભ્ય બન્યા હતા. વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય બની રાજનીતિની શરૂઆત કરી હતી.
કેતન ઈનામદાર સહકારી ક્ષેત્રમાં પણ પકડ ધરાવે છે. તેઓ બરોડા ડેરી મુદ્દે પણ અવાજ ઉઠાવી ચૂક્યા છે. તેઓ 2012માં અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. જોકે ઈનામદારનું રાજીનામું અધ્યક્ષ સ્વીકારશે કે નહીં તેના પર સસ્પેન્સ છે.
વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના ડૉ.જ્યોતિબેને પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. રંજનબેનને ટિકિટ મળતા જ્યોતિબેન નારાજ થયા હતા. કૉંગ્રેસના નેતાઓની ભાજપમાં ભરતીથી કેતન ઇનામદાર નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસીઓને જવાબદારી સોંપાતા તેઓ નારાજ થયા છે. વિધાનસભા અધ્યક્ષ રાજીનામું સ્વીકારે તેવી શક્યતા નહીંવત છે. સતીષ પટેલને જિલ્લા અધ્યક્ષ બનાવતા કેતન ઇનામદાર નારાજ હતા.
કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો
અગાઉ ગુજરાત કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન અને 4 જૂને પરિણામ આવશે.