અમદાવાદ સમાચાર : અમદાવાદના મેમકો બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક યુવક માટે આજે પોલીસ “દેવદૂત” સાબિત થઈ હતી. બાઇક પર જઈ રહેલા યુવકના ગળામાં અચાનક પતંગની કાતિલ દોરી આવતા તેનું ગળું ગંભીર રીતે ચિરાઈ જતા ઘવાયો હતું. આ ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓએ સમય સૂચકતા વાપરીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ લોહીલુહાણ હાલતમાં યુવકને પોતાની બાઇક પર બેસાડી તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
ગળું કપાયેલ હાલતમાં યુવકને મેમકોની ખાનગી સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. દોરી એટલી જીવલેણ રીતે વાગી હતી કે યુવકના ગળાના ભાગે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. જો પોલીસે ત્વરિત નિર્ણય લઈને યુવકને હોસ્પિટલ ન પહોંચાડ્યો હોત તો વધુ લોહી વહી જવાથી સ્થિતિ વધુ નાજુક બની શકી હોત, પરંતુ પોલીસની આ “માનવતાવાદી” કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે.
આ ઘટના પરથી પોલીસ સુરક્ષાની સાથે સેવાનું સૂત્ર પણ સાર્થક કરે છે. મેમકો ચાર રસ્તા ખાતે બપોરના સમયે બનેલી આ ઘટનામાં દોરી વાગવાના કારણે યુવકના ગળામાંથી લોહીની ધાર થતી હતી, એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર, 108ની પણ રાહ જોયા વગર પોલીસે યુવકને બાઈક પર બેસાડી સીધો હોસ્પિટલમાં લઈજાય ને દાખલ કર્યો હતો. જે કારણે પરિવારના “વ્હાલસોયા”નો જીવ બચી ગયો છે. હાલ યુવકની હાલત સ્થિર છે અને ખતરામાંથી બહાર છે.
તો આ તરફ અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.