શનિવારે સાંજ (6 સપ્ટેમ્બર)થી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે. આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી.
બનાસકાંઠામાં 8ને બચાવાયા
આ દરમિયાન બનાસકાંઠાના દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદી વચ્ચે ફસાયેલા 8 લોકોને ફસાયા હતા. જેમને SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા
209 તાલુકામાં વરસાદ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રમત તેજ કરી દેતા ચેરાપુંજી ગણાતા કપરાડામાં દિવસે 8 કલાકમાં 6 ઇંચ સહિત 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી-પાણી થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન બોટાદમાં 3.50, સાબરકાંઠાના પોશિનામાં 3.25, રાજકોટના પડધરીમાં 3.15, સાબરકાંઠાના તલોદ, અમદાવાદના સાણંદમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં નોંધપાત્ર વરસાદ પડયો તેમાં 2.85 ઈંચ સાથે રાજકોટના જામકંડોરણા, 2.75 ઈંચ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ, 2.60 ઈંચ સાથે અરવલ્લીના બાયડ-વલસાડના ઉમરગાંવનો સમાવેશ થાય છે. શનિવારે કુલ 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.