Gujarat હાઈ એલર્ટ પર: અમદાવાદ, વડોદરા અને સુરતની રાષ્ટ્રીયકૃત બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

By: Nation Gujarat Team
09 Nov, 2026

Gujarat: ગુજરાતના સુરક્ષા તંત્રને પડકાર ફેંકતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. રાજ્યના 3 પ્રમુખ આર્થિક કેન્દ્રો અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોને બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) દ્વારા ઉડાવી દેવાની ધમકી મળતાં રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા સ્ત્રોત તરફથી આવેલા ધમકીભર્યા ઈમેલ (Threat Email) બાદ ત્રણેય શહેરોમાં બેન્કિંગ કામગીરી અટકી પડી હતી અને સ્ટાફ તેમજ ગ્રાહકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદના અતિ વ્યસ્ત એવા લાલદરવાજા ભદ્ર કાળી મંદિર પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયાની (Bank of India – BOI) મુખ્ય બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીની જાણ થતાં જ મેનેજમેન્ટે તાત્કાલિક તમામ નાણાકીય વ્યવહારો અટકાવી દીધા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની (Fire Brigade) ગાડીઓ, સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડી આવ્યા હતા અને મલ્ટી-લેવલ બિલ્ડિંગમાં ખૂણે-ખૂણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

બીજી તરફ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા જાણીતા વાણિજ્યિક સંકુલ સૂરજ પ્લાઝા સ્થિત બેન્ક ઓફ બરોડાની (Bank of Baroda – BOB) શાખાને પણ નિશાન બનાવવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ સયાજીગંજ પોલીસે સૂરજ પ્લાઝા અને આસપાસનો સમગ્ર માર્કેટ વિસ્તાર કોર્ડન કરીને ખાલી કરાવ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર્સની મદદથી લોકર રૂમ, સર્વર રૂમ અને પાર્કિંગ લોટમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વિવિધ સંવેદનશીલ જાહેર સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ નામાંકિત શાળાઓ (Schools), જિલ્લા ન્યાયાલયો તેમજ સેન્ટ્રલ જેલોને ધમકી મળ્યા બાદ હવે બેંકોને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીર બની છે. આ માત્ર ભય ફેલાવવાનું કોઈ ષડયંત્ર છે કે વાસ્તવિક જોખમ, તેની દિશામાં રાજ્યની સાયબર ક્રાઈમ સેલ (Cyber Crime Cell) સક્રિય બની છે. ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલા આઈપી એડ્રેસ (IP Address) અને ડિજિટલ નેટવર્કને ટ્રેસ કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score