RTE પ્રવેશમાં કોઈ મુશ્કેલી પડે છે? જાણો ક્યાંથી મેળવશો જાણકારી

By: Nation Gujarat Team
04 Apr, 2026
અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં આજથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રવેશ પ્રક્રિયા આમ તો ઓનલાઈન ચાલવાની છે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય કે પછી વાલીઓને પોતાના બાળકના પ્રવેશને લઈને કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તેનો જવાબ પણ તમને હેલ્પલાઈન મારફતે મળી રહેશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલી આ હેલ્પલાઈન પર માત્ર વોટ્સએપ મેસેજ કરતા જ આરટીઈને લગતા કે મૂંઝવતા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ મળી જશે.
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે અંતર્ગત સરકાર દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. આ આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં RTE હેઠળ સરકાર દ્વારા વર્ષ 2012થી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં આ વર્ષે 80 હજારથી વધુ બેઠકો પર બાળકોને પ્રવેશ મળે તે માટે પ્રવેશ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. મોટા ભાગે ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ મળે તે માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. અમદાવાદની 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25 ટકા હિસાબે પ્રવેશ ફાળવાશે. RTE પ્રવેશ માટે મૂંઝવણ અનુભવી રહેલા વાલીઓ હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે.
આરટીઇ અંતર્ગત સ્વનિર્ભર શાળાઓમાં 6,00,000થી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકને પ્રવેશ ફાળવવામાં આવશે. આ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે. આમ તો આરટીઈ પ્રવેશને લઈને તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જેથી કરીને વાલીઓ તમામ પ્રકારની માહિતી જાણી શકે. બીજી તરફ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સારથી હેલ્પલાઈન ચલાવવામાં આવી રહી છે. જે માટે 9909922648 પર સંપર્ક કરી દરેક વાલી આરટીઈ હેઠળ પ્રવેશ માટેની વિગતો મેળવી શકે છે. અમદાવાદ શહેરમાં RTE હેલ્પલાઇન માટે ચાર કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવા અને સબમિટ કરવા તે તમામ વિગતો હેલ્પલાઇનમાં જણાવવામાં આવી રહી છે.

Related Posts

Load more