ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)દ્વારા ચલાવતી બસ સેવાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ લાગૂ થનારા ભાડામાં રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થશે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે.આજે મધરાતથી એસ.ટી બસ ભાડાનો વધારો લાગુ પડશે.
લોકલ સહિતની બસના ભાડામાં વધારો
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા એસટી બસોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે.
લોકોને સારી સુવિધા આપવા નિર્ણય લેવાયો
છેલ્લા દસ વર્ષથી એસ.ટી.ના ભાડામાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી અને હવે એસટી નિગમ દ્વારા સારી સુવિધા મુસાફરોને મળે તેના માટે થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત એસટીમાં સૌથી વધારે 85 ટકા લોકો લોકલ બસમાં મુસાફરી કરતા હોય છે. જેથી તેમાં એકથી છ રૂપિયા સુધીનો વધારો કરાયો છે.
ડીઝલ, મોંઘવારી ભથ્થાના કારણો પણ ભાડાવધારાનું કારણ
ગુજરાત એસટી નિગમના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી એસટીના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. ડીઝલ, મોંઘવારી ભથ્થા, ચેસીસ અને ટાયરોના ભાવમાં વધારો થતાં ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2014થી આજ દિન સુધી એસટી નિગમ પર આર્થિક ભારણ વિવિધ કારણોસર વધી ગયું છે, જેના કારણે હવે ભાડા વધારાનો નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી