ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે 7 જૂન, રવિવારના રોજ રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2 ની વિવિધ ચાર મોટી જાહેરાતો માટેની પ્રિલિમ પરીક્ષાનું એક જ દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના 19 જિલ્લાઓમાં ઊભા કરાયેલા 323 સેન્ટરો પર 75 હજારથી વધુ ઉમેદવારો સવારે 11:00થી બપોરે 02:00 વાગ્યા દરમિયાન આ પરીક્ષા આપશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. હાલમાં પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારીની કડક તપાસ બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 10.15 વાીગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. રાજ્યભરમાંથી કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે. તેમના માટે ખાસ સેન્ટરો ફાળવીને વ્હીલચેર, લિફ્ટ, ભોંયતળિયાની બેઠક વ્યવસ્થા અને ‘દિવ્યાંગ મિત્ર’ (રાઇટર) જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત, નિયમ મુજબ દિવ્યાંગ ઉમેદવારોને પેપર લખવા માટે 60 મિનિટનો વધારાનો સમય પણ ફાળવવામાં આવશે. પરીક્ષા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના તમામ 57 કેન્દ્રો પર ઝોનલ અધિકારી, આયોગના પ્રતિનિધિ અને CCTV સુપરવાઇઝર તૈનાત કરાયા છે. પેપરના લીકેજ કે ચોરીને અટકાવવા 13 સંવેદનશીલ રૂટ પર હથિયારી ગાર્ડ સાથે પેપર પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે.