Bank Strike and Sunday Opening : દેશની જાહેર ક્ષેત્રની (સરકારી) અને જૂની ખાનગી બેંકોના ગ્રાહકો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા આવતીકાલ 28 સપ્ટેમ્બરથી 3 દિવસીય દેશવ્યાપી હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. જેને પગલે શાખાઓમાં કામકાજ ખોરવાઈ જવાની ભીતિ છે
ગ્રાહકોને પડેલી મુશ્કેલીઓ નિવારવા માટે નાણા મંત્રાલય અને સરકારના નિર્દેશાનુસાર આજે રવિવારે પણ જાહેર ક્ષેત્રની તમામ બેંક શાખાઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને તેમના જરૂરી નાણાકીય વ્યવહારો હડતાલ શરૂ થાય તે પહેલાં જ પૂર્ણ કરી લેવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.
કેમ પડી રહી છે 3 દિવસની હડતાલ?
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના જણાવ્યા અનુસાર, આ સંગઠન દેશના આશરે 90 ટકા બેંક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બેંક કર્મચારીઓ મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે:
અઠવાડિયામાં 5 દિવસીય બેંકિંગ (5-Day Banking) પ્રથા લાગુ કરવી.
પેન્શન યોજનામાં સુધારા કરવા.
કર્મચારી કલ્યાણ લક્ષી વિવિધ માંગણીઓ ઉકેલવી
આ બાબતે નાણા મંત્રાલયે યુનિયનોને વાતચીતના ટેબલ પર આવીને બાકી રહેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે.
ડિજિટલ સેવાઓ અને એટીએમ ચાલુ રહેશે
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ ગ્રાહકોને શાખા સંબંધિત મહત્ત્વના કામકાજ વહેલી તકે પતાવી લેવા સૂચના આપી છે. સાથે જ ગ્રાહકોને YONO એપ, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ, UPI, ATM અને કેશ ડિપોઝિટ મશીન (CDM) જેવી ૨૪ કલાક ઉપલબ્ધ ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે સલાહ આપી છે.
બીજી તરફ, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંક જેવી નવી પેઢીની ખાનગી બેંકોના કામકાજ પર આ હડતાલની કોઈ ખાસ અસર થશે નહીં અને તેઓ સામાન્ય રીતે કાર્યરત રહેશે.