ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગોપાલ ઈટાલિયાના સુરતમાં આવેલા ઘર પર પોલીસે પહોંચી વૃદ્ધ માતા સાથે ગાળ ગાળી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ગોપાલ ઈટાલિયાએ ફેસબુક લાઈવના માધ્યમથી પોલીસ અને હર્ષ સંઘવી પર આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા એક મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને ‘તીસ માર ખાં’ સમજે છે. કઈ વાંધો નહીં, ઘણા તીસ માર ખાં આ દેશે જોયા છે, અમે જોયા છે અને સમય સાથે હાલના તીસ માર ખાની પણ વ્યવસ્થા થઈ જાહે જનતા દ્વારા.
આજે એવું થયું કે હર્ષ સંઘવીએ સવાર-સવારમાં મારા ઘરે પોલીસવાળાને મોકલ્યા. હું તો અત્યારે વિસાવદર બેઠો છું, આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર IB પાસે છે, મારું લોકેશન IB પાસે છે, મારી બીજી બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે, એને બધી ખબર છે ગોપાલ ક્યાં છે.તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, સુરત. એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધેસીધા મારા ઘરે ગયા, થોડીઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ અને પછી પાછળથી પાછો સારો એવો વીડિયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે.
ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, અમે કંઈ ફાટી પડતા નથી. તમારામાં અને આઈપીએસમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. જ્યારે મજા આવે ત્યારે, જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. મારા માતા સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ના બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીની સાથે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી.
આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને જે હોશિયારીઓ બતાવી છે એ બિલકુલ વ્યાજબી વાત નથી.મારી મા સિનિયર સિટીઝન છે. હું રાજકારણમાં છું, મારા મમ્મીએ તો મને ઘણું કીધેલું કે બેટા રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખાઓ હોય, આમાં ગુંડાઓ હોય, બેટા આપણે આ નો કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ નો આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પરંતુ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય, તો હવે હુંય રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પૂરવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ.
મહેસાણા કોર્ટ દ્વારા ગોપાલ ઈટાલિયા સામે ઈસ્યૂ કરવામાં આવેલા સમન્સની બજવણી કરવા સુરત પોલીસની ટીમ ઈટાલિયાના ઘર પર ગઈ હતી. ત્યારબાદ ઈટાલિયા દ્વારા પોલીસ પર તેમના માતા સાથે ગેરવર્તણૂક કરાઈ હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે.