સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાવ આકાશે આંબી રહ્યા હતા અને આજે અચાનક ધડામ થઈ ગયા. આમ છતાં સોના અને ચાંદીના ભાવ એ સ્તરે પહોંચી ગયા છે કે સામાન્ય માણસો માટે ખરીદવું હવે જાણે સપનું બની ગયું છે. જો કે ગુરુવારે વાયદા બજાર અને રિટેલ બજારમાં બંને કિંમતી ધાતુઓમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. પરંતુ આજે વાયદા બજારમાં સોનું અને ચાંદી બંને પાછા અસલ મૂડમાં જોવા મળ્યા. ત્યારે એમ થાય કે સોના ચાંદીના ભાવમાં આમ અચાનક ઉછાળો અને ઘટાડો કઈ રીતે આવતા હોય છે. સોના અને ચાંદીના ભાવ વધે કે ઘટે એ કયા પરિબળો નક્કી કરે છે અને એક્સપર્ટ આ સમગ્ર મામલે શું મૂલ્યાંકન કરે છે. સોનું અને ચાંદી હાલ લેવા સારા કે પછી હવે સમય ગયો?
વાયદા બજારમાં આજનો ભાવ
વાયદા બજારમાં આજે સોના અને ચાંદીની સ્થિતિ જોઈએ તો 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 10.30 કલાકે 1.27 ટકાના વધારા સાથે 158329 રૂપિયાના સ્તરે જોવા મળ્યું. જ્યારે 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદી 2.57 ટકાના વધારા સાથે પ્રતિ કિલોગ્રામ 335707 રૂપિયાના સ્તરે જોવા મળી. કાલે કડાકો અને આજે ઉછાળો…આમ સતત ઉથલપાથલ વચ્ચે સોનું અને ચાંદી અકલ્પનીય ભાવસ્તરે પહોંચ્યા છે.
કેવી રીતે નક્કી થાય છે સોના-ચાંદીના ભાવ
સોના અને ચાંદીના ભાવમાં આમ એકાએક ઉછાળો અને એકાએક કડાકો કઈ રીતે આવે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે સોના અને ચાંદીના ભાવ કઈ રીતે ભાવ નક્કી થતા હોય છે. તો તમને જણાવી દઈએ કે સોનાના ભાવ બજારની માંગ અને સપ્લાય પર આધારિત હોય છે. વૈશ્વિક સ્તરે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) સવારે 10.30 કલાકે અને બપોરે 3 કલાકે (GMT) પર ભાવ નક્કી કરે છે. જ્યારે ભારતમાં ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દિવસમાં બે વાર સોના અને ચાંદીના ભાવ જાહેર કરે છે. બપોરે 12 કલાકે ખુલતા ભાવ અને સાંજે 5 વાગે બંધ ભાવ જાહેર થાય છે.
આ જે ભાવ જાહેર કરવામાં આવે છે તે ભાવ વૈશ્વિક બજારો, ડોલર-રૂપિયા એક્સચેન્જ રેટ, ઈમ્પોર્ટ ફી અને સ્થાનિક માંગણી તથા અન્ય વૈશ્વિક પરિબળો પર આધારિત હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ સોનાનો મોટો ભંડાર ધરાવે છે. જે ભાવને પ્રભાવિત કરે છે. સરકારી નીતિઓ જેમ કે જીએસટી (3ટકા) અને ઈમ્પોર્ટ ડ્યૂટી (15 ટકા) પણ ભાવ પર અસર કરે છે. બધુ મળીને માઈનિંગ કંપનીઓ, સેન્ટ્રલ બેંક, જ્વેલર્સ અને રોકાણકારો બધુ મળીને ભાવ નક્કી થતા હોય છે.
ગોલ્ડ સ્પોટ રેટ શું હોય અને કઈ રીતે નક્કી થાય
સ્પોટ ગોલ્ડએ આજના બજારનો ભાવ કહેવાય છે જે તાબડતોબ ખરીદ વેચાણ માટે હોય છે. અસલમાં તે ફ્યૂચર્સનો ભાવ નહીં પરંતુ આજનો ભાવ છે. આમ તો સ્પોટ રેટ ગ્લોબલ એક્સચેન્જ જેમ કે કોમેક્સ (શિકાગો), LBMA લંડન, અને MCX (મુંબઈ) પર નક્કી થાય છે. તે 24/7 બદલાતા રહે છે. કારણ કે બજાર રવિવારે સાંજ 6 વાગ્યાથી શુક્રવાર સાંજ 5.15 સુધી (EST) ખુલ્લા રહેતા હોય છે.
કયા પરિબળો સ્પોટ રેટ નક્કી કરે
1. માંગ અને સપ્લાય- વધુ ખરીદીથી ભાવ વધે અને ઓછી ખરીદી હોય તો ઘટતા હોય છે.
2. કરન્સી એક્સચેન્જ રેટ- સોનું ડોલરમાં ટ્રેડ થાય છે આથી જો રૂપિયો નબળો પડે તો ભાવ વધે છે.
3. મોંઘવારી અને વ્યાજ દરો- મોંઘવારી વધવાની સાથે સોનું સેફ લાગે છે, ભાવ વધે છે.
4. જિયો પોલિટિકલ ઘટનાઓ- વિશ્વસ્તરે ઉથલપાથલ મચાવતી ઘટનાઓ પણ ભાવ પર અસર કરે છે. કારણ કે સુરક્ષિત રોકાણની માંગ વધે છે.
5. સેન્ટ્રલ બેંકની નીતિઓ- આરબીઆઈ કે અન્ય બેંક જો સોનું ખરીદે તો આપૂર્તિમાં ઘટાડો થાય અને ભાવ વધતા હોય છે.
MCX એટલે શું અને સોનાની ખરીદી વેચાણ કઈ રીતે થાય
ભારતમાં MCX એટલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ.સીધા શબ્દોમાં કહીએ તો વાયદા બજાર. જે મુંબઈમાં છે અને તેની શરૂઆત 2003માં થઈ હતી. તેના પર સોનું, ચાંદી, એગ્રી પ્રોડક્ટ્સ, ઓઈલ વગેરેનું ફ્યૂચર ટ્રેડિંગ થાય છે. ગોલ્ડનું ટ્રેડિંગ ફ્યૂચર કોન્ટ્રાક્ટ દ્વારા થાય છે. જ્યાં તમે ફ્ચૂયરના ભાવ પર ડીલ કરી શકો.
બુલિયન માર્કેટ શું હોય
બુલિયન માર્કેટ એ સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓનું માર્કેટ છે. ભારતમાં તે OTC (ઓવર ધ કાઉન્ટર) અને ફ્યૂચર્સ માર્કેટમાં ચાલે છે. બુલિયન બેંક (જેમ કે HSBC), સેન્ટ્રલ બેંક (RBI), જ્વેલર્સ અને રોકાણકારો.
બુલિયન માર્કેટને અસર કરતા પરિબળો
– વૈશ્વિક ભાવ- LBMA થી પ્રભાવિત
– સ્થાનિક માંગણી- લગ્નો અને તહેવાર પ્રસંગો પર સોના ચાંદીની માંગ વધતા ભાવ વધતા હોય છે.
– ઈમ્પોર્ટ ડ્યૂટી- લગભગ 15 ટકા લાગે જેથી ભાવ વધે. ડ્યૂટી વધે તો ભાવ વધે અને ઘટે તો ભાવ ઘટે.
– જીએસટી- ભારતમાં 3 ટકા જીએસટી લાગે છે.
તે 24 કલાક ચાલે છે અને ભાવ ગ્લોબલ ઘટનાઓથી પ્રભાવિત થાય છે. ભારતમાં IBJA રોજ બે વાર ભાવ જાહેર કરે છે. અત્રે જણાવવાનું કે સોનાના ભાવ બજારની માંગ અને સપ્લાય, ગ્લોબલ ફેક્ટર અને સરકારી નીતિઓથી નક્કી થતા હોય છે. સ્પોટ રેટ તત્કાળ ભાવ છે. MCX ફ્યૂચર્સ ટ્રેડિંગનું પ્લેટફોર્મ છે અને બુલિયન માર્કેટ ધાતુઓનું બજાર. જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો યોગ્ય સમય અને જાણકારી હોવી જરૂરી છે.
કેમ વધી રહ્યા છે ભાવ?
ભારતમાં સોના ચાંદીની માંગણી માત્ર રોકાણની રીતે નહીં પરંતુ લગ્ન પ્રસંગો અને તહેવારોને ધ્યાનમાં રાખીને પણ થતી હોય છે. હાલ જે રીતે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેનાથી ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. એવા કયા પરિબળો હાલ આ ભાવવધારામાં ફ્યૂલ નાખી રહ્યા છે તે પણ જાણવા જરૂરી છે.
– અમેરિકી ડોલર
નબળા અમેરિકી ડોલરથી સોના અને ચાંદીની વૈશ્વિક માંગ વધવાથી ભાવ વધે એ સ્વાભાવિક છે. ભારતમાં ડોલરની સરખામણીમાં રૂપિયો ₹91-92 આસપાસ છે જે આયાતી સોનાને મોંઘુ બનાવે છે.
– જિયોપોલિટિકલ ઉથલપાથલ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન સામાનો પર ટેરિફની ધમકી ઘટાડી અને ગ્રીનલેન્ડ પર બળ પ્રયોગની ના પાડી. ત્યારબાદ વૈશ્વિક વેપાર અને તણાવની ચિંતાઓ તો ઘટી પરંતુ બજારમાં હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ છવાયેલો છે.
– સુરક્ષિત રોકાણ
સોનું સુરક્ષિત રોકાણ તરીકે લોકોની પસંદમાં અગ્રેસર છે. આથી ભારતીય રોકાણકારો પણ વૈશ્વિક સંકટની સ્થિતિમાં સોના બાજુ વળે છે.
– અન્ય કારણો
ભારતમાં લગ્ન ગાળા અને તહેવારો ટાણે કિંમતી ધાતુઓની માંગમાં વધારો જોવા મળે અને માંગ વધે એટલે સ્વાભાવિક રીતે ભાવ વધે. ભારતમાં લગ્નની સીઝન, રોકાણ માંગ અને ETFમાં ઈનફ્લોથી ઘરેલુ ડિમાન્ડ મજબૂત છે. ઊચા ભાવ પર ફિઝિકલ ખરીદી ઘટી શકે છે, પરંતુ ડિજિટલ ગોલ્ડ અને SIP સ્ટાઈલ રોકાણ વધી રહ્યું છે.
શું કહે છે એક્સપર્ટ
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસ દ્વારા સોના અને ચાંદી પર એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જે મુજબ ચાંદીમાં આવેલી ભારે રેલીએ કિંમતી ધાતુઓ માટે નજીકના સમયના રિસ્ક-રિવાર્ડ એક્વીએશનને બદલી નાખી છે. વધતા મૈક્રો અને જિયો પોલિટિકિલ અનિશ્ચિતતાઓ વચ્ચે સોનું હાલ ચાંદીની સરખામણીમાં સારી સ્થિતિમાં જોવા મળે છે તેમ કહેવું છે. 21 જાન્યુઆરીની કોમોડિટી નોટમાં ફર્મે કહ્યું છે કે છેલ્લા 12 મહિનામાં ચાંદી 200 ટકા કરતા વધુ ઉછળી છે. જ્યારે સોનું લગભગ 80 ટકાની તેજી સાથે જોવા મળ્યું. આ જબરદસ્ત આઉટપરફોર્મન્સને કારણે ગોલ્ડ સિલ્વર રેશિયો 2026ની શરૂઆતમાં લગભગ 50 ટકા પર આવ્યું છે. જે સંકેત આપે છે કે ચાંદીની કેચ અપ ટ્રેડનો મોટો ભાગ પહેલેથી પૂરો થઈ ચૂક્યો છે.
બીજી બાજુ દિગ્ગજ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે સોનાના ભાવ અંગે પોતાનું અનુમાન વધાર્યું છે. કહેવું છે કે 2026ના અંત સુધીમાં સોનું $5,400 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. આ પહેલા આ અનુમાન $4,900 પ્રતિ ઔંસનું હતું. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે પ્રાઈવેટ સેક્ટરના રોકામકારો અને ઉભરતા બજારોની સેન્ટ્રલ બેંકો સતત ગોલ્ડ ખરીદી રહી છે અને આ કારણે ભાવનું અનુમાન વધ્યું છે.
2026માં 12 ટકા વધી શકે છે ભાવ
બુધવારે સ્પોટ ગોલ્ડ $4,887.82 પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું હતું. જે અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. જો કે ગુરુવારે ભાવ ઘટ્યા અને $4,834 આસપાસ જોવા મળ્યા. ગોલ્ડમેન સેક્સના અનુમાન મુજબ અહીંથી ભાવમાં 12% તેજી આવવાની આશા છે.
ભારતમાં કેટલો ભાવ વધી શકે
ગોલ્ડમેન સેક્સનું અનુમાન છે કે હાલ 2026ના ભાવમાં લગભગ 12 ટકાનો ઉછાળો આવી શકે છે. એ હિસાબે ગોલ્ડનો ભાવ લગભગ 1.69 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે. એટલે કે હાલના ભાવને જોતા ભાવમાં લગભગ 18000 રૂપિયાનો ઉછાળો આવી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી ઉપલબ્ધ જાણકારીઓ પર આધારિત છે.)