અમદાવાદથી ગાંધીનગર હવે ઊડીને પહોંચી શકશો!:24 કલાક હેલિકોપ્ટર એર ટેક્સી શરૂ થશે,

By: Nation Gujarat Team
22 Mar, 2026

ગુજરાતના પાટનગર ગાંધીનગરના આંગણે વધુ એક આધુનિક સુવિધાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી માત્ર વીવીઆઈપી મૂવમેન્ટ અને સરકારી કામકાજ માટે મર્યાદિત રહેલી હેલિકોપ્ટર સેવા હવે સામાન્ય નાગરિકો અને બિઝનેસ સેક્ટર માટે પણ ઉપલબ્ધ બને તે દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ટૂંક સમયમાં જ એક અદ્યતન ‘કોમર્શિયલ હેલિપેડ’નું નિર્માણ કરી ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવશે. અત્યારે જે બાયરોડ 40 મિનિટનું અંતર જે એર ટેક્સીથી થોડી મિનિટમાં કપાઈ જશે અને ગિફ્ટ સિટી પાસે હાઈટેક હેલિપેડનું નિર્માણ થઈ શકે છે.

હેલિપેડના નિર્માણને લીલીઝંડી ગુજરાતના પાટનગરને ગ્લોબલ બિઝનેસ હબ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ગાંધીનગરમાં અત્યાધુનિક ‘કોમર્શિયલ હેલિપેડ’ નિર્માણ પામશે. વાયબ્રન્ટ ગુજરાત તેમજ ખાસ કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ઘ્યાને લઈ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના ભાગરૂપે હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલિપેડના નિર્માણ માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશે અત્યાર સુધી ગાંધીનગરમાં માત્ર સરકારી કે VVIP મૂવમેન્ટ માટે જ હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ હતી, પરંતુ હવે ખાનગી ક્ષેત્ર અને સામાન્ય નાગરિકો પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટથી અમદાવાદ એરપોર્ટ અને ગાંધીનગર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશે, જે ખાસ કરીને મોટા ઉદ્યોગપતિઓ અને વિદેશી રોકાણકારો માટે સમયની બચત કરનારું સાબિત થશે. સરકાર આ હેલિપેડને પીપીપી મોડલ અથવા ડેઝિગ્નેટેડ ઓથોરિટી હેઠળ કાર્યરત કરી શકે છે.

હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધાથી 24 કલાક ચાલુ રહી શકશે ​આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધારવા તેમજ રાજ્યમાં વધતા જતા ઉદ્યોગ સાહસિકો અને પ્રવાસીઓને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. ખાસ કરીને વાઈબ્રન્ટ ગુજરાત જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ દરમિયાન વિદેશી ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓને એરપોર્ટથી સીધા ગાંધીનગર લાવવા માટે આ હેલિપેડ આશીર્વાદરૂપ સાબિત થશે. આ હેલિપેડ પર નાઈટ લેન્ડિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે જે તેને અન્ય હેલિપેડ કરતા અલગ પાડશે. આ સાથે જ નાઈટ લેન્ડિંગની વ્યવસ્થા હોવાથી 24 કલાક આ સુવિધા કાર્યરત રહી શકશે.

ઈમરજન્સી મેડિકલ સર્વિસ માટે હેલિકોપ્ટર મળી રહેશે ​તંત્ર દ્વારા આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં નિર્માણ થનારું નવું કોમર્શિયલ હેલિપેડ માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ આરોગ્ય સેવાઓ માટે પણ મહત્વનું કેન્દ્ર બનશે. આ હેલિપેડ પરથી એર એમ્બ્યુલન્સ ઓપરેટ કરવાની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક અન્ય શહેરોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં ખસેડી શકાય. પાટનગરમાં વધતી જતી વસ્તી અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે આ એર-કનેક્ટિવિટી મેડિકલ ઈમરજન્સીમાં જીવનરક્ષક સાબિત થશે.

ગિફ્ટ સિટીની આસપાસ આધુનિક હેલિપેડ માટે જગ્યાની પસંદગી થઈ શકે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગરને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ હેલિપેડ શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટી અથવા તેની આસપાસના વિસ્તારોમાં આ માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે અને પર્યટન ક્ષેત્રને મોટો ફાયદો થશે.

સામાન્ય-કોમર્શિયલ ઉપયોગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા મંજૂરી ગાંધીનગરમાં કોમર્શિયલ હેલિપેડ બનવા અંગેના પુરાવાઓ ગુજરાત સરકારના બજેટ અને નાગરિક ઉડ્ડયન વિભાગની તાજેતરની હિલચાલમાં જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે બજેટમાં ગુજરાતમાં એર કનેક્ટિવિટી વધારવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગરમાં ‘હેલિપોર્ટ’ વિકસાવવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારે પાટનગરમાં VVIP સિવાયના સામાન્ય અને કોમર્શિયલ ઉપયોગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

હેલિપેડ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગિફ્ટ સિટી અને ચિલોડા બેલ્ટની આસપાસ હેલિપેડ માટે ટેકનિકલ ફિઝિબિલિટી સર્વે કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. કોમર્શિયલ ઓપરેશન માટે DGCAના નિયમો મુજબ જગ્યાની પસંદગી પ્રક્રિયા ગતિમાં છે.

ઉડે દેશ કા આમ નાગરિક’ યોજના હેઠળ હેલિકોપ્ટર સેવા શરૂ થશે બીજી તરફ કેન્દ્ર સરકારની ‘ઉડે દેશ કા આમ નાગરિક’ યોજના હેઠળ હેલિકોપ્ટર સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગરને આ યોજના સાથે જોડવા માટે કોમર્શિયલ હેલિપેડ અનિવાર્ય છે. તાજેતરમાં રાજ્યના ઉડ્ડયન મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું કે મોટા શહેરો વચ્ચે ‘ઈન્ટરસિટી હેલિકોપ્ટર સર્વિસ’ શરૂ કરવામાં આવશે જેમાં ગાંધીનગર મુખ્ય કેન્દ્ર તરીકે રહેશે.

ગાંધીનગરમાં કાયમી કોમર્શિયલ બેઝ પર અત્યારે કામ ચાલી રહ્યું છે છેલ્લી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે થયેલા એમઓયુમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ખાનગી હેલિકોપ્ટર ઓપરેટરોને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે ગાંધીનગરમાં કાયમી કોમર્શિયલ બેઝ હોવો જરૂરી છે જેના પર અત્યારે કામ ચાલી રહ્યું છે. આમ સરકારી બજેટમાં નાણાકીય જોગવાઈ અને GUJSAIL દ્વારા થતી જમીન ચકાસણી એ વાતનો પુરાવો છે કે ગાંધીનગર ટૂંક સમયમાં જ કોમર્શિયલ હેલિકોપ્ટર સેવાઓનું સાક્ષી બનશે.


Related Posts

Load more