ગૌતમ અદાણી ભારતમાં સમગ્ર દક્ષિણ એશિયાની સૌથી મોટી હથિયાર ફેક્ટરી સ્થાપી છે. અદાણીએ એરપોર્ટથી લઈ શિપિંગ અને ફૂડ સુધીના ક્ષેત્રમાં કારોબારનો વ્યાપ ફેલાવ્યા બાદ હવે હથિયાર ઉત્પાદન ક્ષેત્રમાં પણ જંપલાવ્યું છે. આ ફેક્ટરી ઉત્તરપ્રદેશના કાનપુરમાં બનાવવામાં આવી છે.અદાણી ગ્રૂપની ‘અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’ કંપનીએ તાજેતરમાં સ્વદેશી બનાવટનું ડ્રોન દેશને સમર્પિત કર્યું હતું. અદાણી ડિફેન્સે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારતીય નૌકાદળને ‘મેડ ઈન ઈન્ડિયા’ ડ્રોન સોંપ્યું છે. હવે ટૂંક સમયમાં સેના અદાણી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી ‘બુલેટ્સ’ નો ઉપયોગ કરી શકે છે.કાનપુરમાં અદાણીની કંપની દ્વારા સ્થાપવામાં આવેલી આર્મ્સ ફેક્ટરી પ્રારંભિક તબક્કામાં 7.62mm અને 5.56mm બુલેટનું ઉત્પાદન કરશે.અદાણીની ફેકટરીમાં ઉત્પાદન થનાર બુલેટનો ઉપયોગ વિશ્વભરમાં એસોલ્ટ રાઈફલ્સ અને કાર્બાઈન્સમાં કરવામાં આવે છે. અદાણી ડિફેન્સ આ ફેક્ટરીમાંથી ઉત્પાદિત બુલેટની નિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
અદાણી ડિફેન્સના સીઈઓ આશિષ રાજવંશીને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું કે જે પ્રકારની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની સ્થિતિના કારણે છેલ્લા 2 વર્ષમાં બંદૂકની ગોળીઓની માંગ વધી છે. ઓર્ડર વિશ્વના ઘણા વિસ્તારોમાંથી આવી રહ્યા છે.અદાણી ગ્રુપે સંક્ષણ ક્ષેત્રના નવા સાહસ પાછળ 1500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટ લગભગ 250 એકરમાં ફેલાયેલો છે. આ ફેક્ટરી આવતા મહિને ફેબ્રુઆરીમાં કામ શરૂ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત ફેક્ટરી દ્વારા કાનપુરમાં લગભગ 1500 લોકોને રોજગાર મળશે. ઉલ્લેખનીય છે કે કાનપુરમાં સંરક્ષણ મંત્રાલયની શસ્ત્ર ફેક્ટરી ‘ઓર્ડનન્સ ફેક્ટરી’ પણ કાર્યરત છે.