Gandhinagar Election 2026 : ગાંધીનગરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ, મતદારોમાં ઉત્સાહનો માહોલ

By: Nation Gujarat Team
11 Oct, 2026

Gandhinagar Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજે સવારે 7:00 વાગ્યાથી શરૂ થઈ ગયું છે, જે સાંજે 6:00 વાગ્યા સુધી ચાલશે. સેક્ટર 22 માં આવેલી સફલ વિદ્યાલયના 5 બૂથ પર સવારથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જ્યાં શરૂઆતના કલાકોમાં ધીમી ગતિએ મતદાન જોવા મળી રહ્યું છે. મતદારો આગામી 5 વર્ષના શહેરના વિકાસ અને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં મુખ્ય પક્ષો જેવા કે ભાજપના 44, કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 32 તેમજ અન્ય પક્ષ અને અપક્ષના ઉમેદવારો મળીને કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 2,59,780 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,32,457 પુરુષ મતદારો, 1,27,314 મહિલા મતદારો અને 9 અન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

1700 પોલિંગ સ્ટાફ અને 1130 પોલીસકર્મીઓની તૈનાત

October 11, 2026 7:59 am

ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મતદાન માટે 730 BU યુનિટ અને 364 CU યુનિટ ઇવીએમ (EVM) મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. સમગ્ર સુરક્ષા અને સુચારૂ સંચાલન માટે 1,700 પોલિંગ સ્ટાફ તૈનાત છે અને 1,130 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. ગાંધીનગરના કુલ 295 પોલિંગ બૂથમાંથી 90 બૂથ સંવેદનશીલ અને 6 બૂથ અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score