ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે ચાર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતનો એક રૂંવાડા ઊભા કરી દે તેવો નવો વીડિયો સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માત બાદ એક કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી, તેમ છતાં કાર ચાલક યુવક પોતાના જીવની પરવા કર્યા વગર સળગતી ગાડીમાં મોબાઈલ ફોન શોધતો જોવા મળ્યો હતો, જે દ્રશ્યો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત એક ક્રેટા (Creta) કારના ચાલકે સર્જ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે, અને જો ક્રેટા કારના રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ થાય, તો તેની ઓવર-સ્પીડિંગ તેમજ અગાઉ ફાટેલા અન્ય મેમોની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે તેમ છે.
શું હતી સમગ્ર ઘટના?
ગુરુવારે મધરાતે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક હ્યુન્ડાઈ ક્રેટા કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી મહિન્દ્રા EV કારને પાછળથી પ્રચંડ ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મહિન્દ્રા EV કાર આગળ જતી ઈનોવા કાર સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એકસાથે ચાર ગાડીઓનો કુરચો બોલી ગયો હતો અને ક્રેટા કારમાં આગ ફાટી નીકળી હતી.
સળગતી કારમાં જીવના જોખમે ‘મોબાઈલ’ની શોધ!
અકસ્માત બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે ક્રેટા કારમાં ભીષણ આગ લાગી હોવા છતાં કારમાં સવાર એક યુવક ગાડીની અંદર ઘૂસીને શાંતિથી પોતાનો મોબાઈલ ફોન શોધી રહ્યો છે. સ્થાનિક લોકોએ તેને બૂમો પાડીને ગાડીથી દૂર ખસવા માટે ચેતવણી આપી ત્યારે માંડ તે બહાર આવ્યો હતો. તે બહાર આવતાની સાથે જ આખી કાર વિકરાળ જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.
નબીરાઓની બેફામ ડ્રાઇવિંગ સામે સવાલો
પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રેટા કારમાં અમદાવાદના ત્રણ યુવકો સવાર હતા. આ યુવકો નશાની હાલતમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં શું બહાર આવશે?
આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, જો પોલીસ દ્વારા ક્રેટા કારના ભૂતકાળના રેકોર્ડની તપાસ કરવામાં આવે તો આ ગાડી કેટલી વાર ઓવર સ્પીડિંગ અને અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડાયેલી છે, તે વિગતો પણ બહાર આવી શકે છે. ગાંધીનગરના માર્ગો પર મોડી રાત્રે બેફામ ઝડપે દોડતા આવા નબીરાઓ હવે સામાન્ય નાગરિકો માટે જીવનું જોખમ બની રહ્યા છે.