Gandhinagar: રૂપાલમાં આજે ઐતિહાસિક પલ્લી; મધરાતે નીકળશે મા વરદાયિનીનો રથ, 27 ચકલામાં લાખો લિટર શુદ્ધ ઘીની નદીઓ વહેશે!

By: Nation Gujarat Team
19 Oct, 2026

આસો નવરાત્રિની આઠમ અને નોમની સંધ્યાએ સમગ્ર ગુજરાત જેની આતુરતાપૂર્વક રાહ જોતું હોય છે તે ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામે યોજાતો વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક ‘રૂપાલની પલ્લી’ મહોત્સવ આજે ભારે ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. પાંડવકાળથી અવિરત ચાલી આવતી આશરે 5,000 વર્ષ જૂની પાવન પરંપરા મુજબ આજે મધરાતે 12 વાગ્યા બાદ જગતજનની મા વરદાયિનીની દિવ્ય પલ્લી (રથ) ની નગરયાત્રા નીકળશે. રૂપાલ ગામના તમામ 27 ચકલાઓમાં આ પલ્લીનું પરિભ્રમણ થશે, જ્યાં દેશ-વિદેશમાંથી ઉમટેલા લાખો માઈભક્તો દ્વારા માતાજીના રથ પર લાખો લિટર શુદ્ધ દેશી ઘીનો અખૂટ અભિષેક કરવામાં આવશે, જેના કારણે રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવો અદ્ભુત નજારો સર્જાશે.

5000 વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ

રૂપાલ ગામ અને મા વરદાયિનીની પલ્લી સાથે મહાભારત કાળનો અનોખો ઈતિહાસ જોડાયેલો છે.પૌરાણિક માન્યતા અનુસાર, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ પોતાના દિવ્ય શસ્ત્રો રૂપાલ સ્થિત ‘વરખ’ (વરખડી) ના પવિત્ર વૃક્ષ નીચે છુપાવ્યા હતા.અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ પાંડવોએ અહીં મા વરદાયિનીની સ્થાપના કરી વિશેષ આરાધના કરી હતી અને યુદ્ધમાં વિજયી બનવા માટે શક્તિના આશીર્વાદ મેળવ્યા હતા.વિજય મળ્યા બાદ પાંડવો દ્વારા સોનાની પલ્લી બનાવી તેના પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જે પરંપરા આજે પાંચ સહસ્ત્રાબ્દી વીતવા છતાં ગ્રામજનો અને ભક્તો દ્વારા જીવંત રાખવામાં આવી છે.

રાત્રે 12 વાગ્યે પલ્લી પ્રસ્થાન

ખીજડાના લાકડામાંથી કોઈ પણ ખીલી વગર શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરાયેલી પલ્લી ગામના સુથાર, કુંભાર, વાળંદ અને મુસ્લિમ સમાજ સહિતના તમામ વર્ગોના પરંપરાગત સહયોગથી તૈયાર થાય છે, જે કોમી એકતાનું પ્રતીક છે. રાત્રે બરાબર 12 કલાકે નિજ મંદિર પરિસરમાંથી પલ્લીનું પ્રસ્થાન થશે.ગામના નિર્ધારિત 27 ચકલાઓમાં પલ્લી ફરશે, જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે પીપડા અને વાસણો ભરીને લાખો લિટર શુદ્ધ ઘી પલ્લી પર પધરાવશે.આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા મોટા જથ્થામાં ઘી રસ્તા પર ઢોળાતું હોવા છતાં ક્યારેય કોઈ શ્રદ્ધાળુ લપસી પડતો નથી કે દુર્ગંધ ફેલાતી નથી, જેને ભક્તો માતાજીનો સાક્ષાત પરચો માને છે.

 ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રૂપાલ પલ્લી મહોત્સવમાં ભક્તોની સાથે સાથે મહાનુભાવોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. પ્રદેશ ભાજપ સંગઠનના અગ્રણીઓ અને નેતાઓ પલ્લીના પ્રસ્થાન પૂર્વે મા વરદાયિનીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રૂપાલ પહોંચી રહ્યા છે.લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને ચુસ્ત પેરામિલેટ્રી તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.દર્શનાર્થીઓ માટે વાહન પાર્કિંગ, પ્રાથમિક આરોગ્ય સેવાઓ અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score