Everest & Lalji Godhoo Hing Sale Banned: રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા મસાલા અને તેમાંય ખાસ કરીને સ્વાદ અને સુગંધ વધારતી હિંગને લઈને એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા દેશની બે જાણીતી અને નામાંકિત મસાલા બ્રાન્ડ્સ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. લેબોરેટરીમાં થયેલા ટેસ્ટ દરમિયાન ગુણવત્તાના ધોરણોમાં ખરાબ રીતે નિષ્ફળ જતાં એવરેસ્ટ (Everest) અને લાલજી ગોધૂ (Lalji Godhu) કંપનીની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલાની શરૂઆત એક જાગૃત ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને FSSAI એ બજારમાંથી લોકપ્રિય બ્રાન્ડ્સની હિંગના સેમ્પલ એકત્રિત કરીને ચકાસણી માટે મોકલ્યા હતા. આ તપાસના ભાગરૂપે મુંબઈ સ્થિત સેન્ટ્રલ લાઇસન્સ યુનિટ્સ તેમજ ગુજરાતના ઉમરગામમાં આવેલા એવરેસ્ટના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પણ નમૂના લેવામાં આવ્યા હતા. સરકારી લેબમાં થયેલા આ ટેસ્ટના રિપોર્ટમાં બંને અગ્રણી બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ ફેલ નીવડ્યા હતા અને તે નિર્ધારિત ગુણવત્તાના માપદંડો પર ખરા ઉતર્યા ન હતા.
સરકારી નિયમો અનુસાર, બજારમાં મળતી કમ્પાઉન્ડેડ હિંગમાં અસલી હિંગને ગુંદર, સ્ટાર્ચ અને લોટ સાથે મિશ્રિત કરવામાં આવે છે, પરંતુ તેમાં ઓછામાં ઓછું 5 ટકા આલ્કોહોલ સોલ્યુબલ એક્સટ્રેક્ટ હોવું અનિવાર્ય છે. જો કે, FSSAI ની લેબ તપાસમાં એવરેસ્ટ અને લાલજી ગોધુની હિંગમાં આ મહત્ત્વનું તત્વ માત્ર 0 થી 3 થી 4 ટકા જેટલું જ હોવાનું બહાર આવ્યું હતું. એટલે કે, પ્રોડક્ટ્સમાં અસલી હિંગનું પ્રમાણ નક્કી કરેલી માત્રા કરતા આશરે 30 થી 40 ટકા જેટલું ઓછું નીકળ્યું હતું, જે ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી સમાન છે.
આ ઉપરાંત, લાલજી ગોધુ કંપનીના પ્લાન્ટમાંથી લેવામાં આવેલી અસલી હિંગની છ અલગ-અલગ જાતોની ચકાસણીમાં પણ મોટી અનિયમિતતાઓ પકડાઈ હતી. નિયમ મુજબ હિંગમાં સ્ટાર્ચની માત્રા મહત્તમ 1 ટકાથી વધુ હોવી જોઈએ નહીં, પરંતુ તપાસ દરમિયાન તેમાં સ્ટાર્ચનું પ્રમાણ 15 ટકાથી લઈને 32 ટકા સુધીનું અધધ માલૂમ પડ્યું હતું. આ હલકી ગુણવત્તા અને ખોટી બનાવટને કારણે તંત્ર દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.
ગ્રાહકોની આરોગ્ય સુરક્ષા સર્વોપરી હોવાથી FSSAI દ્વારા બંને ઉત્પાદક કંપનીઓને કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. કંપનીઓએ બજારમાં પહેલેથી મોકલેલો નબળી ગુણવત્તાવાળો હિંગનો જથ્થો તાત્કાલિક પાછો ખેંચી લેવા અને ભવિષ્યમાં ગુણવત્તાના ચોક્કસ ધોરણો જાળવી રાખવા માટેની સુધારાત્મક યોજના સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે.