ગુજરાતના ખેડૂતો ફરી એકવાર પોતાના હક્ક અને અધિકાર માટે રસ્તા પર ઉતર્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને વણઉકેલ્યા પ્રશ્નોને લઈને હવે સુરત જિલ્લાના ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. પોલીસ દમન, વીજ ટાવરના વળતર અને MSP જેવા સંવેદનશીલ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે.
વડોલી સર્કલથી ‘ખેડૂત અધિકાર યાત્રા’નો પ્રારંભ
આજે ઓલપાડના વડોલી સર્કલ ખાતે વહેલી સવારથી જ માહોલ ગરમાયો હતો. સુરત જિલ્લાના ખૂણેખૂણેથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને વાહનો સાથે એકઠા થયા હતા. આશરે 65 જેટલા ટ્રેક્ટરો અને 100 થી વધુ કારના કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે. આ યાત્રાને ‘ખેડૂત અધિકાર યાત્રા’ નામ આપવામાં આવ્યું છે, જે આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારા વિશાળ ખેડૂત સંમેલનમાં જોડાશે.
ખેડૂતોનો આક્રોશ
ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ-ટેન્શન વીજ લાઈનો અને ટાવરો સામે ખેડૂતોનો સખત વિરોધ છે. ખેડૂતોની માંગ છે કે વીજ ટાવર ઉભા કરવા બદલ જમીનનું યોગ્ય વળતર મળે અને વર્ષોનું બાકી ટાવર ભાડું ચૂકવવામાં આવે. અગાઉ થયેલા વિરોધ પ્રદર્શનોમાં ખેડૂતો પર થયેલા પોલીસ દમન સામે પણ ભારે નારાજગી છે. ખેત પેદાશોના ટેકાના ભાવ (MSP) અને સમયસર ખાતર ન મળવાની સમસ્યાને લઈને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાનો સુર વ્યક્ત કર્યો છે. ટાવર લાઇન રદ કરો, ખેડૂત ઝિંદાબાદ અને ખેડૂતો પર દમન બંધ કરો, જેવા ગગનભેદી નારાઓ સાથે ઓલપાડ પંથક ગુંજી ઉઠ્યો હતો.
ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શનની તૈયારી
આવતીકાલે ગુજરાતભરના ખેડૂતો ગાંધીનગર ખાતે એકઠા થઈ રહ્યા છે. સુરત જિલ્લાના ખેડૂતોનું નેતૃત્વ કરી રહેલા આગેવાનોનું કહેવું છે કે, જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ સંતોષવા માટે મક્કમ ખાતરી નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ખેડૂતોની આ કૂચને જોતા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગર પહોંચ્યા બાદ સરકાર ખેડૂતો સાથે વાટાઘાટો કરે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બને છે.