ટ્રમ્પ માટે અમેરિકા નહીં પરિવાર ફર્સ્ટ? 1.6 અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો

By: Nation Gujarat Team
29 Jun, 2026

US Kazakhstan deal: અમેરિકાના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટો વિવાદ સામે આવી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને તેમની સરકારના મંત્રીઓ પર સરકારી ડીલના બહાને પોતાના ખિસ્સા ભરવાના ગંભીર આક્ષેપો થયા છે. એક મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, અમેરિકન સરકારે તાજેતરમાં એક એવી મોટી ડીલ કરી છે જેનાથી ટ્રમ્પના દીકરાઓને અબજો રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે. આ નફાકારક ડીલમાં ટ્રમ્પ પરિવારની સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકનું નામ પણ સામે આવ્યું છે, જેના કારણે હવે ટ્રમ્પ પ્રશાસનની ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.

અમેરિકા ફર્સ્ટ નીતિ પર મોટા સવાલો

એક મીડિયા રિપોર્ટ બાદ આ આખો વિવાદ શરૂ થયો છે. આ અહેવાલ મુજબ, અમેરિકાએ તાજેતરમાં કઝાકિસ્તાન સાથે દુનિયાના સૌથી મોટા દુર્લભ ખનિજ ‘ટંગસ્ટન’ના ભંડારને વિકસાવવા માટે 1.6 અબજ ડોલર એટલે કે આશરે 13,500 કરોડ રૂપિયાની સરકારી ડીલ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સરકારી સોદાથી સીધેસીધો આર્થિક ફાયદો ડોનાલ્ડ ટ્રમ્પના દીકરાઓ અને તેમના વાણિજ્ય મંત્રીના પરિવારને થવાનો છે.

રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ મહત્ત્વની છે આ ડીલ?

કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. હાલમાં વૈશ્વિક ટંગસ્ટન માર્કેટ પર ચીનનો સંપૂર્ણ કબજો છે અને ચીન સતત આ દુર્લભ ખનિજના એક્સપોર્ટ પર પ્રતિબંધો વધારી રહ્યું છે. ટંગસ્ટનનો ઉપયોગ મિસાઇલ વોરહેડ્સ, ફાઈટર જેટ્સ, સેમિકન્ડક્ટર્સ અને કટોકટીના સમયની એડવાન્સ સૈન્ય ટેક્નોલોજીમાં થાય છે. અમેરિકા આ ડીલ દ્વારા ચીન પરની પોતાની નિર્ભરતા ખતમ કરવા માગે છે, પરંતુ હવે ટંગસ્ટન કરતાં વધુ ચર્ચા તે ચહેરાઓની થઈ રહી છે જેમની તિજોરીઓ આ સરકારી સોદાથી ભરાવાની છે.


Related Posts

Load more