20 હજારનો પગાર અને કરોડોનું સામ્રાજ્ય! સુરતમાં ફેક્ટરીના કર્મચારીએ જ માલિકને લગાવ્યો ચૂનો; 1.80 કરોડની છેતરપિંડી

By: Nation Gujarat Team
28 Jul, 2026

સુરત: સુરતના ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 20,000 રૂપિયાના પગારે નોકરી કરતા એક સેલ્સમેન-કમ-એકાઉન્ટન્ટે માલિકની જ નકલી બોગસ પેઢી બનાવીને ઓનલાઈન બિઝનેસ થકી 1.80 કરોડ રૂપિયાની માતબર રકમ સેરવી લીધી હતી. આ કૌભાંડથી આલીશાન મકાન અને ગાડીઓ વસાવનાર આરોપીની આખરે ઉધના પોલીસે ધરપકડ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

ઉધના ઉદ્યોગનગરના રોડ નંબર 8 પર ‘સીતારા બેગ’ (SITARA BAG) તથા ‘સ્કાઈલર’ નામના બ્રાન્ડ નેમથી બેગ ઉત્પાદન અને ઓનલાઈન-ઓફલાઈન વેચાણનો મોટો વેપાર ચલાવતા મોહમ્મદ સેહજાદ મોહમ્મદ સત્તાર આલમની ફેક્ટરીમાં વર્ષ 2022 દરમિયાન મનિષ ચંદ્રકાંત પઠાડે નામના યુવકને માસિક 20,000 રૂપિયાના પગારે સેલ્સમેન તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં પ્રમાણિકતાથી કામ કરીને મનિષે માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. જેથી માલિકે તેને માલનો ઓર્ડર લેવો, માલ રવાના કરવો અને તમામ નાણાકીય હિસાબ-કિતાબ રાખવા જેવી મહત્ત્વની જવાબદારીઓ સોંપી દીધી હતી.

કરોડો રૂપિયાની હેરાફેરીનો કાળો કારોબાર

નોકરીના થોડા સમય બાદ મનિષની નિયત બગડી હતી અને તેણે માલિકની પેઢી ‘સીતારા બેગ’ નામને મળતી આવતી ‘સીતારા બેગ્સ’ નામે ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એક બોગસ પેઢી બનાવી દીધી. ફેક્ટરીમાં બનતો માલ તે પોતાની આ બોગસ પેઢી મારફતે ઓનલાઈન બજારમાં અસલ કિંમત કરતાં સસ્તા ભાવે વેચતો હતો. ઓનલાઈન ઓર્ડર મળતા માલ માલિકની ફેક્ટરીમાંથી જતો, પરંતુ તેની સામે મળતી કમાણીની કરોડો રૂપિયાની રકમ મનિષ પોતાના અંગત બેંક ખાતામાં બારોબાર જમા કરાવી લેતો હતો. આમ, નવેમ્બર 2025 સુધીના સમયગાળા દરમિયાન તેણે કુલ 1.80 કરોડ રૂપિયાની માતબર રકમ તફડાવી લીધી હતી.

આલીશાન મકાન અને મોંઘી ગાડીઓ ખરીદી

ઉચાપતના આ કરોડો રૂપિયાથી મનિષે પોતાની જીવનશૈલી રાતોરાત બદલી નાખી હતી. તેણે ડિંડોલીના ક્રિસ્ટલ હોમ્સમાં નવું આલીશાન મકાન ખરીદ્યું હતું, નવસારીમાં જમીન-મિલકતમાં રોકાણ કર્યું હતું, તેમજ અંગત વપરાશ માટે 5 લાખની સ્વિફ્ટ કાર અને 2 લાખનું ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવ્યું હતું. આ ઉપરાંત પરિવાર માટે લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના પણ ખરીદ્યા હતા.

ભાંડો ફૂટતા પોલીસે કરી ધરપકડ

ધંધામાં સતત ખોટ જતાં માલિકે હિસાબની ઝીણવટભરી તપાસ કરતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. માલિકે નોટરી સમક્ષ કરાર કરાવી આરોપી પાસેથી ગાડીઓ અને દાગીના સહિત કુલ 16.17 લાખ રૂપિયા વસૂલ્યા હતા, પરંતુ બાકીના નાણાં ચૂકવવામાં આનાકાની કરીને આરોપીએ ધમકી આપી હતી. અંતે વેપારીની અરજીના આધારે ઉધના પોલીસે ગુનો નોંધીને આરોપી મનિષ પઠાડેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more