ભાજપમા હવે ડખા ચાલુ : હોદ્દેદારોની પસંદગીમાં જૂથવાદ, આંતરકલહ ભભૂક્યો, ક્યાંક લેટરવોર તો ક્યાંક ખેંચતાણ

By: nationgujarat
09 Jan, 2025

Controversy in BJP Gujarat: ઉત્તરાયણ પહેલાં જ ભાજપે સંગઠનને નવો ઓપ આપવા તૈયારીઓ આદરી છે. વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંક માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ દરમિયાન નવા પ્રદેશ સુકાનીની પસંદગી થાય તે પહેલાં ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે કેમકે, ,ક્યાંક લેટરવોરને પગલે ભાજપના નેતાઓ બાખડયાં છે. તો ક્યાંક ભાજપમાં શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા ભારે ખેચતાણ જામી છે. જેના કારણે ભાજપના નેતા-કાર્યકરો આમને સામને આવ્યાં છે. આક્ષેપબાજીનો મારો જામ્યો છે. આ બધા વચ્ચે સહકારી ક્ષેત્રમાં ભાજપના મેન્ડેટના ભાજપના નેતાઓ જ ચીંથરા ઉડાવી રહ્યાં છે.

પક્ષવિરોધી પ્રવૃતિની ગુંજ છેક દિલ્હી સુધી

ભાજપના નેતાઓ જ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ જોતાં અત્યારે જાણે ભાજપના નેતા-કાર્યકરો રણીધણી વિનાના બન્યાં છે. એવી સ્થિતી સર્જાઈ છે કે, ડેમેજ કંટ્રોલ કરનાર જ કોઈ નથી. આ સ્થિતિ જોતાં શિસ્તબદ્ધ પક્ષ ભાજપની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ છે. પક્ષવિરોધી પ્રવૃતિની ગુંજ છેક દિલ્હી સુધી સંભળાઈ છે જેથી હાઇકમાન્ડ પણ ખફા છે.અત્યારે ગુજરાત ભાજપ આંતરિક ઘમાસાણ જામ્યુ છે, જેના કારણે પક્ષની પ્રતિષ્ઠા ખરડાઈ છે. કેટલાંક મુદ્દાઓ ભાજપની પ્રદેશ નેતાગીરીની ઊંઘ ઉડાડી દીધી છે. અમરેલીમાં વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયા વિરૂદ્ધ પત્રકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યુ હતું જે મુદ્દો સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતભરમાં ચગ્યો છે. આ મામલે પાટીદારો ભાજપથી ખફા થયા છે. આ પ્રકરણમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ભાજપ ધારાસભ્ય સામે ધોકો પછાડયો છે. એટલું જ નહીં, આક્ષેપ કર્યો કે, કોઈક નેતાને રાજી કરવા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યુ છે.

આ વિવાદને પગલે ખુદ્દ સરકારે બેકફુટ પર આવવું પડ્યું છે અને સીટની રચના કરી મામલો થાળે પાડવા મથામણ કરવી પડી છે. બીજી તરફ સમગ્ર પ્રકરણમાં રાજકીય લાભ લેવા કોંગ્રેસ અને આપે પણ ઝુકાવ્યુ છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ કરવા ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યાં છે. આ સમગ્ર મામલે ભાજપ જ નહીં, સરકાર પણ ભેખડે ભરાઈ છે.

વડોદરામાં પ્રમુખપદને લઈને ભાજપના નેતાઓ આમને-સામને

વડોદરામાં જિલ્લા પ્રમુખ સતિષ નિશાળિયાએ ફરીથી દાવેદારી નોંધાવતાં વિવાદ વકર્યો છે. મહિલા કાર્યકર્તા ભારતી ભાણવડિયાએ આક્ષેપ કર્યો છે કે, ‘ધારાસભ્ય કે જિલ્લા પ્રમુખ તરીકે એક સારૂ કાર્ય કર્યુ હોય તો દેખાડો. તમે માત્રને માત્ર લોકોની રાજકીય કારર્કિદી પુરી કરવામાં જ રચ્યાપચ્યા રહો છો. તમારી આ જૂની પ્રવૃતિ બંધ કરી દો. એવુ હોય તો બધાં હોદ્દા જ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી બની જાઓ.’ આ મહિલા કાર્યકર્તાએ આરોપ મૂકતાં વડોદરાનું રાજકારણ ગરમાયુ છે. આ આખોય મામલો કમલમ સુધી પહોચ્યો છે. શહેર પ્રમુખની નિમણૂંક બાદ આ મામલો વધુ વકરે તેમ લાગી રહ્યું છે.

રાજકોટમાં પ્રમુખની વરણી મુદ્દે જૂથવાદ સપાટી પર

ગુજરાતમાં જિલ્લા પ્રમુખપદ મેળવવા ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે. રાજકીય વગના જોરે સંગઠનમાં હોદ્દો મેળવવા ખેચતાણ જામી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ શહેર પ્રમુખપદ મેળવવા માટે જોરદાર રાજકીય લોબિંગ શરૂ થયુ છે. રાજકોટ શહેર પ્રમુખની વરણી થાય તે અગાઉ જ ભોજપમાં અસંતોષની આગ ભભૂકી છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત અન્ય નેતાઓએ વર્તમાન જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ કરી છેકે, વર્તમાન પ્રમુખ આપખુદીથી વર્તી રહ્યા છે. 30થી વધુ દાવેદારો વચ્ચે આંતરિક રોષ ભભૂકતાં પ્રદેશ નેતાગીરી મૂંઝાઇ છે.

કેશોદમાં નકલી પત્રકાંડે ભાજપમાં ડખો ઊભો કર્યો

અમરેલીમાં પત્રકાંડ વિવાદ હજુ શમ્યો નથી ત્યા કેશોદમાં પણ નકલી પત્રિકાકાંડનો મામલો સામે આવ્યો છે. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાના નામે બદલીનો પત્ર લખાયો છે. પીજીવીસીએલમાં બદલીની ભલામણ કરી ભાજપ મહામંત્રીની નકલી સહી કરવામાં આવી છે. આમ, નામ-સહીનો દૂરપયોગ કરવામાં આવતાં ભાજપમાં ભડકો થયો છે. હવે આ નકલી પત્રકાંડમાં પણ પોલીસ ફરિયાદ કરવા તૈયારીઓ થઇ રહી છે.

આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત, PM મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું

ખેડામાં સહકારી સંઘની ચૂંટણીમાં મેન્ડેટની ઐસી કી તૈસી

સહકારી ક્ષેત્રમાં હોદ્દા મેળવવા ભાજપના નેતાઓમાં જાણે હોડ જામી છે. પરંતુ છેલ્લાં કેટલાંય સમયથી સહકારી ક્ષેત્રમાં ભાજપના મેન્ડેટના ચીંથરા ઉડાવવામાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલા ઉંઝા એપીએમસીમાં પણ ભાજપે મેન્ડેટ આપ્યો હોવા છતાંય બળવાખોરોએ ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી હતી. આ જ પ્રમાણે, ખેડા જિલ્લા સહકારી સંઘમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે જ ભાજપના મેન્ડેટની ધરાર અવગણના કરી ઉમેદવારી નોંધાવી હતી. આમ, ભાજપના મેન્ડેટ ચીંથરેહાલ થઈ રહ્યા છે.


Related Posts

Load more