અંબાજીમાં મા અંબાના પ્રાગટ્યય દિને ધામક ઉત્સવ, 32મા વર્ષે પૂનમની ધામધૂમથી ઉજવણી કરાશે

By: nationgujarat
09 Jan, 2025

Ambaji Temple: યાત્રાધામ અંબાજીમાં 13મી જાન્યુઆરીને પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિને ધામક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 32મા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાશે. નગરજનો સહિત વિશ્વ ભરના માઈ ભક્તો આરાધ્ય દેવીના દર્શનાર્થે ભક્તિમય રીતે જોડાશે. આ ઉપરાંત અંબાજી નગરના માર્ગો પર ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરુઢ થઈ મા જગતજનની અંબા નગરયાત્રાએ નીકળશે.

અંબાજીમાં બોલ મારી અંબે..જય જય અંબેનો નાદ ગુંજી ઊઠશે

પોષી પૂનમની ઉજવણીમાં 13મી જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લવાશે. ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવશે. ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. આપેશ્વર મહાદેવ ખાતે રબારી સમાજ દ્વારા જ્યોતનું સામૈયું અને ઓવારણાં લેવામાં આવનાર છે. ગબ્બરથી લાવેલ જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવે છે. અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે મહાઆરતી કરવામાં આવશે. બાદમાં ગજરાજ પર આરુઢ થઈ મા અંબા નગરયાત્રાએ નીકળી માઈભક્તોને દર્શન આપશે. ભાદરવી પૂનમના મહામેળા જેવી લાખોની ભાવિક ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઊમટી પડે છે. અંબાજી મંદિર ચાચર ચોકમાં ચૌદશ અને પૂનમ એમ બે રાત્રે એટલે કે 12મી અને 13મી જાન્યુઆરીના રોજ અંબાજીની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

પોષી પૂનમને સુખડી પૂનમ અને શાકમ્બરી પૂનમ મનાવાય છે

પોષી પૂનમની શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને વહેચવામાં આવે છે. આ પૂનમને સુખડી પૂનમ, શાકમ્બરી પૂનમ પણ કહે વાય છે. આ દિવસે મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હોવાથી શાકનો શણગાર કરવામાં આવે છે. પોષ મહિનાની ગુપ્ત નવરાત્રિ આઠમથી પૂનમ સુધી માતાની આરાધના કરવામાં આવે છે.

શોભાયાત્રામાં આ ઝાંકીઓ આકર્ષણનું કેન્દ્ર રહેશે

પૂનમે માતાજીનો રથ ધજા પતાકાઓ સાથે હાથી, ઘોડા, ઊંટ, ઢોલ અને શરણાઈઓના સંગીત સાથે વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેમાં આદિવાસી નૃત્યો સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધામક ઝાંખીઓની કતાર સાથે સમગ્ર યાત્રાનો અદ્ભુત અને અલૌકિક નજારો જોવા મળશે. ગામની બાલિકાઓ માથા પર શ્રીફળ કળશ લઈ હર્ષભેર માતાની શોભાયાત્રામાં જોડાશે. આ ઉપરાંત રાજસ્થાનથી વિવિધ એવી મહાબલી બાલાજી, અઘોરી, વિરાટ મહાકાળી રૂપ, અષ્ટભુજા માતાજી, શિવ પાર્વતીની ઝાંકીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક ઢોલ અને ત્રાંસાની ટીમ પણ બોલાવવામાં આવી છે. 35 કરતાં વધુ ઝાંખીઓ સાથે નગરમાર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરતાં સ્વણમ શિખર પર ધજા આરોહણ કરવામાં આવશે


Related Posts

Load more