લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પહેલા ઘણા એક્ઝિટ પોલ આવી ગયા છે, જેમાં બીજેપીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 361થી 401 સીટો મળતી દર્શાવવામાં આવી છે. એક્ઝિટ પોલમાં NDA ગઠબંધન સરકાર ત્રીજી વખત રચાતી સ્પષ્ટ દેખાઈ રહી છે. જો આવતીકાલે ચૂંટણીના પરિણામોમાં પણ આવા જ પરિણામો આવે તો પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે.એક્ઝિટ પોલના પરિણામો ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં પણ આવ્યા છે. આ દરમિયાન ચીનના સત્તાવાર અખબાર અને મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે એક્ઝિટ પોલમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળને લઈને એક લેખ જાહેર કર્યો છે.
ગ્લોબલ ટાઈમ્સના લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘સર્વે દર્શાવે છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ જીતે તેવી શક્યતા છે. તેના પર ચીનના નિષ્ણાતોનું કહેવું છે કે મોદી એકંદરે ઘરેલું અને વિદેશી નીતિઓ પહેલાની જેમ જ જાળવી રાખશે. તેઓ ભારતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખશે.ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ‘ચીની નિષ્ણાતોએ ભારત અને ચીન વચ્ચે સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમને આશા છે કે મતભેદો દૂર કરવા માટે બંને દેશો વચ્ચે ખુલ્લી વાતચીત થશે. તેમની વિદેશ નીતિમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. જો મોદી (73) અને તેમની પાર્ટી ભાજપ ત્રીજી વખત સત્તામાં આવે છે, તો તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી ત્રીજી વખત સત્તામાં રહેનારા બીજા વડા પ્રધાન હશે.
લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત માટે ચીન સાથેના સંબંધો પ્રત્યે વ્યૂહાત્મક અભિગમ જાળવી રાખવો મહત્વપૂર્ણ છે. ભારતે વાતચીત દ્વારા મતભેદોને ઉકેલવા માટે ચીન સાથે સહયોગ કરવો જોઈએ. ચીન અને ભારત વચ્ચે સંઘર્ષ વધવાની કોઈ શક્યતા નથી. જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા અમેરિકાના સહયોગી દેશો સાથે ચીનના સંબંધો હવે સુધરી રહ્યા છે.