યુદ્ધની મજાક ઉડાવવા મામલે સેલેબ્સ કેમ સામસામે? બોમન ઈરાની પર ભડકી ઈરાનની અભિનેત્રી, જાણો શું છે વિવાદ !

By: Krunal Bhavsar
27 Mar, 2026

Mandana Karimi Slams Boman Irani: મિડલ ઈસ્ટમાં છેલ્લા ઘણા દિવસથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ યુદ્ધની મજાક ઉડાવવા મામલે સેલેબ્સ સામસામે આવી ગયા છે. પોતાના રમૂજી અંદાજ માટે જાણીતા બોલિવૂડ અભિનેતા બોમન ઈરાનીએ ગુરુવારે તેમના ઇન્સ્ટાગ્રામ પર યુએસ-ઈરાન તણાવ પર એક રમૂજી વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કર્યો હતો. બોમને ઈરાનીએ કહ્યું હતું કે, ‘હું ટ્રમ્પ સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર છું, બસ તમે ફક્ત એક સિલિન્ડર લઈને દાદર આવી જાઓ, તો અમારું જીવન ઘણું સરળ થઈ જશે.’

બોમન ઈરાની પર ભડકી ઈરાનની અભિનેત્રી

બોમન ઈરાનીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ટ્રમ્પે ઈરાની લોકો સાથે શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે બોમન ઈરાનીનો ટ્રમ્પ પર કટાક્ષ કરવો ઈરાની અભિનેત્રી મંદાના કરીમીને પસંદ ન આવ્યું. તેમણે બોમનના વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે. મંદાનાનું કહેવું છે કે, ‘જ્યારે ઈરાનના લોકો મરી રહ્યા હતા ત્યારે બોમન ચૂપ હતા. પરંતુ ગેસની અછતનો મુદ્દો ઊભો થતાં જ તેમણે તેના પર વીડિયો બનાવી નાખ્યો.’

Boman Irani’s Viral Video Sparks Backlash | Iranian Actress Mandana Karimi Hits Back

બોમન ઈરાનીના વીડિયો પર મંદાનાએ શું લખ્યું?

બોમનના વીડિયો પર મંદાનાએ કમેન્ટ કરતાં લખ્યું કે, ‘બોમન ઈરાની સર…અચાનક તમે ઈરાન વિશે ઘણું કહેવા લાગ્યા. આ ટાઇમિંગ તો ઘણું રસપ્રદ છે. ઘણા વર્ષોથી ઈરાનમાં લોકોની ધરપકડ થઈ રહી છે, તેમને ફાંસી આપવામાં આવી રહી છે, તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. હજારો લોકો માર્યા ગયા. પરિવાર વિખેરાઈ ગયા. અમારા જેવા લોકો જે ત્યાંથી આવ્યા છે, અમે આ તમામ વસ્તુનો સામનો કર્યો છે. અમે વર્ષોથી આ મુદ્દે અવાજ ઉઠાવતા આવ્યા છીએ. પરંતુ હવે..એક વીડિયો આવ્યો છે, તો અચાનક બધાને ચિંતા થવી લાગી.’

 

મંદાનાનો બોમન ઈરાની પર પ્રહાર

ઈરાની એક્ટ્રેસે આગળ લખ્યું કે, ‘હવે ગેસને લઈને મજાક થઈ રહી છે, ટ્રમ્પ વિશે ‘આવો મારા ઘરે’ વાળા જોક્સ બની રહ્યા છે. સર, તમને સંપૂર્ણ સન્માન આપતાં કહી રહી છું કે, તમે અને પારસી સમુદાય ઈરાનથી આવ્યા છો. તમે તે ઇતિહાસને અને તે આગને સાથે લઈને આવ્યા છો. તો જ્યારે ઈરાનના લોકો મરી રહ્યા હતા, ત્યારે તમારો આ અવાજ ક્યાં હતો? અને હવે અચાનક જ્યારે ગેસ, રાજનીતિ અને વિશ્વભરની વસ્તુઓ પર અસર પડી રહી છે, ત્યારે કોમેન્ટ્રી શરૂ થઈ ગઈ? વાહ..સ્લો ક્લેપ્સ. સાચું. મૌનથી મજાક સુધી.. આ બદલાવ તો ખૂબ તેજ હતો.’

જ્યારથી ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી મંદાના કરીમી ઈરાન અને તેના લોકોની પડખે ઊભી છે. તેણે સુપ્રીમ લીડર ખામેનેઈના મૃત્યુ પર ખુશી પણ વ્યક્ત કરી હતી. મંદાનાએ એમ પણ કહ્યું હતું કે હું ટૂંક સમયમાં ભારત છોડીને પોતાના દેશ પરત ફરીશ. હવે તે બોમન ઈરાનીના વીડિયો પર ભડકી ગઈ છે. જોકે, ચાહકો મંદાનાની કમેન્ટથી ખુશ નથી. તેમનું કહેવું છે કે, બોમન ફક્ત મજાક કરી રહ્યો હતો, તેમાં વધુ સીરિયસ થવાની વાત નહોતી.

બોમન ઈરાનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે તેના વીડિયોને રમૂજ કહ્યું છે. પરંતુ હવે મંદાનાની કમેન્ટ્સ પર બોમનનું શું રિએક્શન સામે આવે છે, તે જોવાનું રહેશે.


Related Posts

Load more