Home Minister Amit Shah Remembers Veteran Actor Dharmendra : બોલીવુડના હી-મેન ગણાતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તેમના દેહાંતના અઠવાડિયા પછી તેમના પત્ની અને ભાજપના સાંસદ હેમા માલિનીએ ગુરુવારે નવી દિલ્હીમાં તેમની સ્મૃતિમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. પ્રાર્થના સભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ તકે અમિતભાઇ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને અગાઉ ધર્મેન્દ્ર સાથે થયેલા સંવાદનો વાગોળ્યો હતો. સાથે જ ધર્મેન્દ્રના સંઘર્ષ, સફળતા, લોકપ્રિયતા અને દેશભક્તિને લઇને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

અમિતભાઇ શાહે કહ્યું કે, “હું ક્યારેય ધર્મેન્દ્રજીને રૂબરૂ મળ્યો ન હતો. હેમા માલિની સાંસદ બન્યા ત્યારે મને એક વાર તેમનો ફોન આવ્યો હતો. તેમણે એક પત્ર પણ લખ્યો હતો. તેઓ ચિંતિત હતા કે, હેમાજી તેમના મતવિસ્તારમાં સારી બહુમતીથી ચૂંટાઇને આવે. તેમણે પત્રમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, અને તે પ્રમાણે જ થયું, હેમાજી ખૂબ જ સારી બહુમતીથી ચૂંટણી જીત્યા હતા.”
અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, “ધર્મેન્દ્રજી ખૂબ જ શુદ્ધ હૃદયના વ્યક્તિ હતા. હું આજે ગૃહમંત્રી તરીકે નહીં, પણ ધર્મેન્દ્રજીના ચાહક તરીકે અહીં આવ્યો છું. ધર્મેન્દ્રજી ફિલ્મ ઉદ્યોગમાં ત્યારે પ્રવેશ્યા જ્યારે બહુ પૈસા નહોતા કે લક્ઝરી નહોતી. તેમણે ખૂબ મહેનત કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.”
સ્વર્ગસ્થ અભિનેતાને યાદ કરતા અમિત શાહે કહ્યું, “જે માણસ શોલે ફિલ્મમાં આટલી સારી ભૂમિકા ભજવી શકે છે, તેમણે ચુપકે ચુપકેમાં સંપૂર્ણપણે અલગ ભૂમિકા ભજવી હતી. મેં ધર્મેન્દ્રજીની ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મો જોઈ છે. મેં તેમની ફિલ્મ ‘આંખે’ ઘણી વખત જોઈ છે. તે સમયે પણ, મને લાગ્યું કે તેઓ એક સાચા દેશભક્ત હતા… આ ફક્ત અભિનય નહોતો. આખી દુનિયા જાણે છે કે, ધર્મેન્દ્રજી એક ખેડૂત પુત્ર હતા, અને દેશને ખૂબ પ્રેમ કરતા હતા. 90 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્રજીનું અવસાન એક ખોટ હશે. તેમના મહાન આત્માને શાંતિ મળે!”