સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ઊર્જામંત્રી કનુ દેસાઈની મહત્ત્વની બેઠક, વિવિધ મુદ્દા પર થશે ચર્ચા

By: nationgujarat
22 May, 2024

ગાંધીનગર: રાજ્યમાં ઠેર-ઠેર ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગઇકાલે મંગળવારે સરકારે નિર્ણય લીધો હતો કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ત્યારે હવે આજે ઊર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર આ અંગે મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ ચાલી રહ્યો છે. લોકોની સાથે ભાજપના કાઉન્સિલર પણ વિરોધમાં જોડાયા છે. કાઉન્સિલરે અધિકારીઓને ઓફિસમાં નહીં બેસવા દેવાની ધમકી આપી છે.

ઠેર-ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ વિવાદ વચ્ચે ઊર્જામંત્રીએ મહત્ત્વની બેઠક બોલાવી છે. રાજ્ય ઊર્જામંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર બેઠક યોજવામાં આવી છે, જેમાં મુખ્યસચિવ રાજકુમાર, ઊર્જા વિભાગના અગ્રસચિવ મમતા વર્મા ઉપસ્થિત રહ્યા છે. આ સિવાય નાણાં વિભાગના અગ્રસચિવ જે.પી. ગુપ્તા તથા GUVNLના MD જયપ્રકાશ શિવહરે પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં સ્માર્ટ વીજમીટર સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

વડોદરામાં વિરોધ યથાવત, જૂના મીટર ફરી લગાવવા લોકોની માંગ

આ બધા વચ્ચે જણાવી દઈએ કે વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે. જૂના મીટર જ ફરી લગાવવા લોકો માંગ કરી રહ્યા છે. લોકોએ MGVCL ની કચેરીમાં કર્યો હોબાળો કર્યો. શહેરના વોર્ડ 12ના ભાજપના કાઉન્સિલર મનીષ પગાર પણ લોકોની સાથે વિરોધમાં જોડાયા છે. ભાજપના કાઉન્સિલર લોકોની સાથે એમજીવીસીએલની આકોટ વિભાગીય કચેરીએ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. લોકોએ કચેરીની લાઈટો-પંખા બંધ કરી દીધા. લોકોએ હલ્લાબોલ કરતા અધિકારીઓ ઓફિસ છોડીને ભાગી ગયા હતા. કોર્પોરેટર મનીષ પગારે ચીમકી ઉચ્ચારી કે જો કોઈ કનેકશન કાપવામાં આવશે તો અધિકારીઓને ઓફિસમાં બેસવા નહિ દઉં. કાઉન્સિલરે લોકોને કહ્યું તમારૂ કનેક્શન કાપવામાં આવે તો મને ફોન કરજો.મહત્ત્વનું છે કે સ્માર્ટ વીજમીટરને લઈ રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે સ્માર્ટ વીજમીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે. જૂના વીજમીટરની માગ કરનાર ગ્રાહકો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ રાજ્ય સરકારે ચારેય વીજ કંપની એમડી સાથે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ બેઠક બાદ સ્માર્ટ વીજમીટરને લઈને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા બેઠક

ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કરવા સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઠેર-ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.


Related Posts

Load more