Ahmedabad: મોંઘવારીનો માર પણ સ્વાદ આગળ લાચાર; ફાફડા ₹900 અને ઘીની જલેબી ₹1000 થઈ

By: Nation Gujarat Team
19 Oct, 2026

ગુજરાતમાં નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ વિજયાદશમી એટલે કે દશેરાના પર્વ પર ફાફડા અને જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. દશેરાના દિવસે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો બહાર કિલોમીટર લાંબી કતારો લાગતી હોય છે. જોકે, આ વર્ષે દશેરાની જાયફત માણવી અમદાવાદીઓ સહિત સમગ્ર રાજ્યના સ્વાદપ્રિય નાગરિકો માટે ખાસ્સી મોંઘી સાબિત થવાની છે. કાચા માલ, બેસન, તેલ અને શુદ્ધ ઘીના ભાવમાં થયેલા વધારાને કારણે ફરસાણના વેપારીઓએ ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલો ₹100 જેટલો ધરખમ વધારો ઝીંકી દીધો છે. આ ભાવવધારા છતાં ઉત્સવપ્રિય ગુજરાતીઓના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી અને અત્યારથી જ દુકાનો પર એડવાન્સ બુકિંગનો ધસારો જોવા મળી રહ્યો છે.

ફાફડા ₹900 અને શુદ્ધ ઘીની જલેબી ₹1000 પ્રતિ કિલો પહોંચી

ગત વર્ષે પ્રીમિયમ ક્વોલિટીના ફાફડાનો ભાવ પ્રતિ કિલો ₹800 થી ₹860 આસપાસ હતો, જે આ વર્ષે વધીને સીધો ₹900 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. શુદ્ધ દેશી ઘીમાં તળાયેલી કેસરી જલેબીનો ભાવ અગાઉ ₹900 પ્રતિ કિલો હતો, જેમાં સીધો ₹100 નો વધારો થતાં હવે ગ્રાહકોને ₹1000 પ્રતિ કિલો ના ભાવે મળશે.સામાન્ય તેલ કે વનસ્પતિ ઘીની જલેબીના ભાવમાં પણ સરેરાશ ₹50 થી ₹70 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

કાચો માલ અને ઘી-તેલના ભાવ ભડકે બળ્યા

ફરસાણ એસોસિએશન અને વેપારીઓના જણાવ્યા મુજબ ચણાની દાળ અને બેસનના ભાવમાં તાજેતરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.આ ઉપરાંત સિંગતેલ, કપાસિયા તેલ તેમજ શુદ્ધ દેશી ઘીના જથ્થાબંધ ભાવો વધવાથી ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે.કારીગરોની મજૂરી, ગેસ સિલિન્ડરના ભાવ અને પેકિંગ મટિરિયલ મોંઘું થવાના કારણે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

મોંઘવારી ભૂલીને સ્વાદરસિકોએ કરાવ્યું એડવાન્સ બુકિંગ

ભાવ ભલે ગગને આંબ્યા હોય, પરંતુ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો ચસ્કો ગુજરાતીઓ ચૂકવા માંગતા નથી.દશેરાના દિવસે સવારે લાંબી લાઈનો અને અરાજકતાથી બચવા માટે મોટાભાગના લોકોએ જાણીતી દુકાનો અને સ્વીટ્સ-નમકીન માર્ટ્સ પર ૨ થી ૩ દિવસ અગાઉથી જ એડવાન્સ ટોકન અને પ્રી-બુકિંગ કરાવી લીધું છે.અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં દશેરાના એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score