શહેરમાં 20થી વધુ સ્થળે દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. જશોદાનગર ચોકડી પાસે પાલખી પાર્ટી પ્લોટમાં શક્તિદ્વાર ચૅરિટેબલ અને દુર્ગા ચૅરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દુર્ગા પૂજાનું આયોજન કરાયું હતું.બુધવારે નવમી પુષ્પાંજલિ કાર્યક્રમ અને ભોગ નૈવેદ્યનું તથા મ્યુઝિકલ ઓરકેસ્ટ્રાનું આયોજન કરાયું છે. ઍરપોર્ટ કોમ્યુનિટી હોલમાં શાંતિ પ્રતીકની થીમ પર પ્રતિમા તૈયાર કરાઈ છે.આ મહોત્સવ અંતર્ગત બુધવારે સંગીત કાર્યક્રમ યોજાશે. પ્રથમ વાર જગતપુરમાં જગતપુર બંગાળી કલ્ચરલ ઍસોસિયેશન દ્વારા દુર્ગા મહોત્સવ યોજાયો છે.
અમદાવાદ દ્વારા 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2025 દરમિયાન કાલીબાડી મંદિર ખાતે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 1,00,000 ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં ભક્તિ, પરંપરા, કલા અને સંસ્કૃતિના ભવ્ય સંગમ છે. છ દિવસીય ઉત્સવની શરૂઆત 27 સપ્ટેમ્બરે આનંદ મેળા સાથે થઈ છે, અને 2 ઓક્ટોબરે વિસર્જન સાથે તેનું સમાપન થશે.
ભક્તિ, કલા અને સંસ્કૃતિનો મહાસંગમ
બંગાળ કલ્ચરલ એસોસિએશન (BCA) ના સેક્રેટરી અનલ મુખર્જીએ કહ્યું કે, અગાઉ ખૂબ જ નાના પ્રમાણમાં લાલ દરવાજા ખાતે દુર્ગા પૂજાનું આયોજન થતું હતું. પછી અમે દુરદર્શન બાજુ આયોજન કરતા હતા. પછી કાલીબાડી મંદિર તૈયાર થયું, ત્યારથી અહીં આયોજન કરવામાં આવે છે. અહીંયા સાતમ, આઠમ અને નોમના દિવસે સાતથી આઠ હજાર લોકો દર્શન માટે આવે છે. સાંજના સમયે દર્શન માાટે લોકોની ભારે ભીડ જામે છે. અમદાવાદમાં અઢી લાખ જેટલા બંગાળી લોકો રહે છે. અમદાવાદમાં દુર્ગાપૂજાનું આયોજન 25 કરતાં વધુ સ્થળોએ કરવામાં આવે છે. જેમાં કાલીબાડી મંદિર ખાતેનું આયોજન સૌથી મોટું આયોજન છે.