વડોદરા: હાલ વિશ્વ એઆઈ ટેકનોલોજી તરફ પગલું માણી રહ્યું છે. આ ટેકનોલોજી વિવિધ કાર્યો કરવામાં સક્ષમ છે. એઆઈ ટેક્નોલોજીની મદદથી વિવિધ સંસ્થાઓ પોતાનું કામ સરળતાથી કરી શકે છે. ત્યારે હાલમાં જ વડોદરા શહેરની 26 વર્ષીય રિશ્મી ચશ્માવાલાને દુબઈ સરકારે એ.આઈ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ગોલ્ડન વિઝા આપ્યા છે.
રિશ્મીન અને તેની ટીમે બનાવેલ એ.આઈ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ) રોબોટનો ઉપયોગ આજે અમિરાતમાં 20 લાખથી વધુ લોકો કરી રહ્યા છે. અને નાની ઉંમરે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિને જોઈને દુબઈ સરકારે તેને ગોલ્ડન વિઝા આપ્યા છે.રિશ્મીનએ જણાવ્યું કે, મેં દુબઈ ગવર્નમેન્ટ માટે કેટલાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ માટે કામ કર્યું છે. તેણીએ એઆઈમાં એસેટ મેનેજમેન્ટ, વિઝ્યુઅલી એઆઈ પ્રોજેક્ટ,એન્ટરપ્રાઈઝ પ્રોજેક્ટ કસ્ટમર્સ સેલ્ફ સર્વિસ સહિત અનેક સરકારી પ્રોજેક્ટ કર્યા છે.દુબઈ સરકાર દ્વારા ખુબ જ ઓછા લોકોને ગોલ્ડન વિઝા આપવામાં આવે છે. આ વિઝા ખાસ વ્યક્તિને આપવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરની દીકરીએ એ આઈની દુનિયામાં કરેલી વિશેષ કામગીરીને બિરદાવતા ગોલ્ડન વિઝા આપ્યા છે.
વડોદરા શહેરની 26 વર્ષીય રિશ્મીન ચશ્માવાલાએ શાળાનું ભણતર શહેરમાં પૂર્ણ કરી બિઝનેસ અને ફાઇનાન્સ ગ્રેજ્યુએશનનો કોર્સ કરવા માટે દુબઈની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. કોર્સ કર્યા બાદ ખાનગી કંપનીમાં નોકરી મેળવી રિશ્મીનએ એ.આઈ.બ્લોકચેન, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન અને કસ્ટમ સોફ્ટવેર જેવી ટેકનોલોજીના વ્યાપક ડોમેઇનમાં દુબઈ સરકાર સાથે પ્રોજેક્ટ પર કામ કરીને નાની ઉંમરમાં જ કૌશલ્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે.