Patidar Samaj : વર્તમાન સ્થિતિમાં બદલાતી સામાજિક સ્થિતિ મુદ્દે આનંદીબેન પટેલે આકરા શબ્દોમાં ચિતા વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં વાલીઓને ચેતવ્યા છે. પાટણમાં આયોજીત એક કથા દરમિયાન આનંદીબેને દીકરા અને દીકરીઓનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી. સાથે જ આનંદીબેને ચેતવણી આપતા કહ્યું કે, તમારી દીકરી હમેશાં તમારી પાસે બેસીને વાત કરતી હોય અને જે દિવસથી અલગ રૂમમાં જઈને વાત કરે તો શંકા કરજો. દીકરા અને દીકરીઓ પર આપણી નજર હોવી જ જોઈએ. વાલીઓએ સાવચેતી રાખવી જરૂરી જ છે. આ ઉપરાંત આનંદીબેને સમાજમાં વધતી વૃદ્ધાશ્રમની સંખ્યાને લઈને પણ સવાલ ઉઠાવ્યા. તેમણે વધતા વૃદ્ધાશ્રમોને સંસ્કારહીનતા ગણાવી. તેમણે કહ્યું કે, મને અનેકવાર વૃદ્ધાશ્રમનું ઉદ્ધાટન કરવા બોલાવે છે, પરંતુ હું એક પણ જગ્યાએ નથી જતી. કેમ કે હું ત્યાં ભાષણ કરીશ તો અડધા વૃદ્ધો જતા રહેશે.
બાળકોના ફોન પર નજર રાખો:
આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવાનું શરૂ કરે, તો સમજજો કે ‘Something is wrong’. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો.
વૃદ્ધાશ્રમોનું ઉદ્ઘાટન કરવાની ના:
રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “લોકો મને વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટન માટે બોલાવે છે, પણ હું નથી જતી. જો હું ત્યાં આવીશ તો એવું ભાષણ કરીશ કે અડધા વૃદ્ધો ઘરે પાછા જતા રહેશે.” તેમણે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવાને ‘સંસ્કારહીનતા’ ગણાવી છે.
આરોગ્ય અને વેક્સિન:
તેમણે કેન્સર જેવી બીમારીઓ સામે નવી વેક્સિન અપાવવા અને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી. તેમણે કહ્યું કે જો આપણે કાળજી રાખીએ તો હોસ્પિટલ જવાની જરૂર જ નહીં પડે.
પોક્સો (POCSO) એક્ટ અને સુરક્ષા:
તેમણે જણાવ્યું કે મારી કથાઓમાં પોક્સો એક્ટ, શિક્ષણ અને વેક્સિન જેવી સામાજિક સુરક્ષાની વાતો જ મુખ્ય હોય છે.
જ્ઞાતિવાદ છોડવા અપીલ:
તેમણે કહ્યું, “હવે લેઉવા પટેલ, લેઉવા પટેલ નથી કરવાનું.” જૂના સમયમાં પટેલ આખા ગામનું નેતૃત્વ કરતા અને દરેક દીકરીને પોતાની દીકરી સમજતા, એવા નિષ્કપટ સમાજની આજે જરૂર છે.
રાજનીતિમાં સંસ્કાર:
તેમણે કહ્યું કે માત્ર વોટ લેવા પૂરતો સંબંધ ન હોવો જોઈએ. જે લોકો વોટ ખરીદે છે, તેમને જનતાના કામ સાથે કોઈ લેવાદેવા હોતા નથી.
આનંદીબેન પટેલે ચૂંટણી ખર્ચ અને કાર્યકર્તાઓના મહત્વ પર આપ્યું મોટું નિવેદન
ચૂંટણી ખર્ચમાં મોટો તફાવત:
આનંદીબેન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં (માંડલ, પાટણ, ઘાટલોડિયા) તેમની ચૂંટણીનો ખર્ચ માત્ર 15 થી 25 લાખ સુધી જ થતો હતો, જ્યારે ઉત્તર પ્રદેશમાં આ આંકડો 25 થી 35 કરોડ સુધી પહોંચી જાય છે.
વોટના ખરીદ-વેચાણ પર કટાક્ષ:
તેમણે ગંભીર નોંધ લેતા કહ્યું કે જો વોટ પૈસા આપીને ખરીદવામાં આવે, તો નેતા અને જનતા વચ્ચેનો સંબંધ ‘ગ્રાહક અને વેપારી’ જેવો બની જાય છે. પૈસા આપ્યા પછી નેતાને ગામના કામમાં કોઈ રસ રહેતો નથી.
કાર્યકર્તાઓનું મહત્વ:
પોતાની જીતનું રહસ્ય જણાવતા તેમણે કહ્યું કે, “રહસ્ય એક જ છે – કાર્યકર્તાઓ.” કાર્યકર્તાઓને પ્રેમ કરવો, તેમના ઘરે જવું અને તેમના સુખ-દુઃખમાં સહભાગી થવું એ જ સાચી પદ્ધતિ છે. માત્ર વોટ લઈને ‘રામ-રામ’ કરી લેવા તે યોગ્ય નથી.
ગુજરાત મોડેલ અને ભાજપની જીત:
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર ટકી રહી છે તેના મૂળમાં તેમણે સંસ્કાર, વિશ્વાસ, પરિશ્રમ અને દેશભક્તિ ગણાવ્યા છે. આ સફળતાનો શ્રેય તેમણે પાયાના કાર્યકર્તાઓ અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપ્યો છે.