રાજ્યમાં દિન પ્રતિદિન બ્રિજમાં ખામીઓ સામે આવી રહી છે ક્યાંક બ્રિજમાં તિરાડ પડે છે તો ક્યાંક ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા બ્રિજ ઇન્સ્પેક્શન કરાવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ રિપોર્ટના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સૌથી VVIP અને અમદાવાદ – ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ અને ધારાસભ્યો આ બ્રિજ ઉપરથી અવરજવર કરે છે. ખાસ કરીને એરપોર્ટથી ગાંધીનગર જવા માટેના બ્રિજ ઉપર તિરાડ અને ખાડા પડતા તંત્રની સામે ખૂબ મોટા સવાલ ઉભા થયા છે. મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજ ઉપર તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા છતાં પણ તંત્ર દ્વારા આ મામલે ધ્યાન આપી રીપેરીંગ કરવામાં આવતું નથી ત્યારે આવી બાબતો સામે આવી રહી છે.
રોજના એક લાખ વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થાય છે મળતી માહિતી મુજબ શહેરના સૌથી વ્યસ્ત અને નેતાઓની વધારે અવરજવર રહેતી હોય છે એવા સાબરમતી નદી પરના ગાંધીનગર તેમજ અમદાવાદને જોડનારા ઈન્દિરા બ્રિજ પર ખાડા અને તિરાડ જોવા મળી છે. રોજના એક લાખ જેટલા વાહન ચાલકો આ બ્રિજ ઉપરથી પસાર થાય છે ગાંધીનગર અને અમદાવાદ અવર-જવર માટે આ બ્રિજનો વધુ ઉપયોગ થતો હોય છે ત્યારે બ્રિજ ઉપર ખાડા પડવાની ઘટનાને લઈને રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
માર્ગ અને મકાન વિભાગની બેદરકારી ઈન્દિરા બ્રિજ ઉપર અગાઉ પણ આ પ્રમાણે ખાડા પડ્યા હતા અને તેને રીપેરીંગ કરવાની જરૂરિયાત હોય છે પરંતુ રાજ્યનું માર્ગ અને મકાન વિભાગ આ બ્રિજ ઉપર વધારે ધ્યાન આપતું નથી. ખાસ કરીને આ બ્રિજ VVIP બ્રિજ કહેવામાં આવે છે જ્યારે વડાપ્રધાન પણ ગુજરાત આવે છે ત્યારે ગાંધીનગર જવા માટે ઇન્દિરા બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ બ્રિજ ઉપર આ પ્રમાણેની બેદરકારી જોવા મળી રહી છે.
તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે. જુલાઈ,2025માં બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ અને અન્ય એજન્સી દ્વારા અમદાવાદ શહેરના 69 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજનું પણ ઇન્સ્પેક્શન કરાયું હતું. બ્રિજ કન્સલ્ટન્ટના ઇન્સ્પેક્શન રિપોર્ટમાં શહેરના કેટલાક બ્રિજમાં ખામી હોવાનું અને તેમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સુભાષ બ્રિજની ઘટના બાદ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ રિપોર્ટ જાહેર કર્યા હતા. શહેરમાં જે 69 બ્રિજનું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટનું દિવ્ય ભાસ્કરે એનાલિસિસ કર્યું હતું અને તેમાંથી ગંભીર રીતે 4 ક્ષતિગ્રસ્ત બ્રિજની વિગતો સામે આવી હતી.
સુભાષબ્રિજ બંધ થતાં શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરીક્ષિતલાલ મજૂમદારબ્રિજ કે જેની ઉપરથી હવે સૌથી વધારે વાહનોની અવરજવર વધી છે તે બ્રિજમાં પણ ખામી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિજને તોડીને નવો બનાવવાનો રિપોર્ટ હોવા છતાં તંત્ર જાણે કે કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ સમારકામ કરતું નથી.