CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ

By: nationgujarat
12 Sep, 2024

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે દિલ્હી ખાતે નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા છે. સામે આવેલી વિગતો અનુસાર સીતારામ યેચુરીને દિલ્હીના એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

AIIMSના ICUમાં સારવાર ચાલી રહી હતી

નોંધનીય છે કે, CPI(M) એ મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, 72 વર્ષીય યેચુરીની એઈમ્સના આઈસીયુ(ICU)માં સારવાર કરવામાં આવી હતી, તેઓ એક્યૂટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી પીડાતા હતા. તેમને 19 ઓગસ્ટના રોજ AIIMSના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સીતારામ યેચુરીનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ મદ્રાસ (ચેન્નઈ)માં તેલુગુ ભાષી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સર્વેશ્વર સોમયાજુલા યેચુરી આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં એન્જિનિયર હતા. જ્યારે તેમના માતા કલ્પકમ યેચુરી સરકારી અધિકારી હતા.

તો બીજી તરફ સીતારામ યેચુરીએ પ્રેસિડેન્ટ એસ્ટેટ સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હાયર સેકન્ડરી પરીક્ષામાં ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક પણ મેળવ્યો હતો. આ પછી તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં બીએ (હોન્સ)નો અભ્યાસ કર્યો હતો અને પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ પણ કર્યું હતું. ઈમરજન્સી દરમિયાન જેએનયુમાં વિદ્યાર્થી હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.


Related Posts

Load more