દુષ્કર્મ મામલે ભાજપના ધારાસભ્ય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, હાઈકોર્ટની ફટકાર બાદ કરાઈ કાર્યવાહી

By: nationgujarat
19 Oct, 2024

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બેઠકના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઇકોર્ટના હુકમને પગલે આખરે પોલીસે કાર્યવાહી કરી. ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગુનો દાખલ કરાયો છે. ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના આરોપ લાગ્યા છે.

દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટે સરકારની કાઢી હતી ઝાટકણી

ગાંધીનગરની એક મહિલાએ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે ગુરૂવારે સુનાવણી દરમિયાન સરકાર અને પોલીસનો ઉધડો લીધો હતો. સુનાવણીમાં કોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા. તો સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા વર્ષ 2021થી લઇને અત્યાર સુધી થયેલી પૂછપરછ અને અન્ય તપાસ કામગીરી અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. જે અંગે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નથી નોંધાઈ? : હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે સામાન્ય રીતે 406 જેવા કિસ્સાઓમાં તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. પરંતુ શું આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નોંધવામાં આવી નથી? દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં ફરિયાદ નોંધ્યા પહેલાં શા માટે પૂછપરછ કરવામાં આવી?

21 ઓક્ટોબર પહેલા ફરિયાદ નોંધવાના આપ્યા હતા નિર્દેશ

હાઇકોર્ટની નારાજગી બાદ એડવોકેટ જનરલે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ એફઆઇઆર નોંધવાની તૈયારી દર્શાવી હતી. એડવોકેટ જનરલે 21 ઓક્ટોબર પહેલાં એફઆઇઆર નોંધવા અંગે ખાત્રી આપી હતી. જણાવી દઈએ કે, આગામી સુનાવણી 21 ઓક્ટોબર 2024ના રોજ હાથ ધરવામાં આવશે

અમદાવાદમાં રહેતી મહિલા નવેમ્બર 2020માં તેની દીકરી સાથે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય વ્યક્તિ સાથે કારમાં જૈસલમેર ફરવા માટે જઇ રહી હતી. ત્યારે મહિલાની સગીર દીકરી સાથે ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય બે વ્યક્તિઓએ શારિરીક છેડછાડ કરી હતી. જે બાબતને લઇને તકરાર થતા તે અમદાવાદ પરત આવી ગઇ હતી. જે અંગે અમદાવાદ પોલીસમાં ગજેન્દ્રસિંહ પરમાર અને અન્ય આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન થતા મહિલાએ તે સમયે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. શિરોહી કોર્ટમાં પોક્સોની ફરિયાદ માટેની અરજી દાખલ થતા ગુનો નોંધાયો હતો.

સાથેસાથે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ પર સ્ટે ઓર્ડર આપ્યો ગતો.  તે પછી કેસની તપાસની કાર્યવાહીમાં પણ રાજકીય દબાણની સાથે મહિલાને ધમકી આપવામાં આવી હતી. જેથી આ અંગે જોધપુર હાઇકોર્ટમાં ધરપકડ પરનો સ્ટે ઓર્ડર હટાવી લેવા માટે અરજી કરવામાં આવી હતી. જો કે આ મહિલાનો આક્ષેપ છે કે કોર્ટમાં રાજકીય દબાણને કારણે તેમના કેસનો નંબર આવતો નહોતો અને સતત નવી તારીખો જ આપવામાં આવતી હતી. જેથી કંટાળીને આજે જોધપુર કોર્ટમાં મુદ્ત હતી ત્યારે તેણે કોર્ટ પરિસરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જો કે તેને સારવાર માટે જોધપુરની સરકારી હોસ્પિટલમાં લઇ જઇને સમયસર સારવાર મળતા જીવ બચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા મહિલાએ જજને સંબોધીને એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે આરોપ મુકવાની સાથે હાઇકોર્ટ પાસે ન્યાયની માંગણી કરી હતી. આ સાથે તેનું નિવેદન નોંધીને ચિઠ્ઠી પણ તપાસ માટે જમા લીધી હતી. ત્યારબાદ રાજસ્થાનમાં વધુ એક ગુનો ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાયો હતો.

આ સિવાય ગુજરાતમાં પણ આ કેસમાં કાર્યવાહીની અરજી કરાઈ હતી. પીડિત મહિલા દ્વારા ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં કરાઈ હતી. જેમાં એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી, પરંતુ પોલીસે ત્રણ વર્ષ સુધી પીડિતાની ફરિયાદ જ નોંધી ન હતી. ઉલ્ટાનું પોલીસે તેની રીતે બારોબાર આ પ્રકરણમાં તપાસ કરી ધારાસભ્યને ક્લીનચીટ આપી અને મહિલા બ્લેકમેઈલ કરી રહી હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જોકે, ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસે ભાજપ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.


Related Posts

Load more