India Unemployment: દેશમાં એકબાજુ રોજગારીની તકો સતત ઘટી રહી છે ત્યારે બીજી બાજુ લગભગ 42 લાખ ભારતીયોની નોકરી પર છટણીની તલવાર લટકી રહી હોવાનો દાવો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી રિપોર્ટ(CMIE Report)માં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, દેશમાં લેબર ફોર્સ(કામદારો)ની સંખ્યા ઘટી છે.
દેશમાં ફેબ્રુઆરીમાં કામદારોની સંખ્યા 45.77 કરોડ હતી. જે માર્ચ, 2025માં 42 લાખ સુધી ઘટી 45.35 કરોડ થઈ હતી. લેબર ફોર્સ ઉપરાંત આ રિપોર્ટમાં બેરોજગારી અને તેના સંબંધિત આંકડાઓ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે મુજબ દેશમાં બેરોજગાર લોકોની સંખ્યા પણ ઘટી છે. ફેબ્રુઆરીમાં 3.86 કરોડ હતી, જે ઘટી માર્ચમાં 3.5 કરોડ થઈ છે. બેરોજગારીમાં 36 લાખના ઘટાડા પાછળનું કારણ રોજગારી મળી હોવાનું નહીં, પણ તેઓએ કામની શોધ બંધ કરી દીધી હોવાનું છે.
લોકોએ કામ શોધવાનું બંધ કરી દીધું
રિપોર્ટ અનુસાર, માર્કેટમાં રોજગારીની તકો ઘટી છે. રોજગારી જ ન મળતાં અંતે લોકોએ સક્રિયપણે રોજગાર શોધવાનું જ બંધ કરી દીધું છે. જેથી તેઓ હવે બેરોજગારીની યાદીમાં સામેલ નથી. જો કોઈ દેશમાં બેરોજગારીનો દર ઘટે છે, તો તેની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો હોવાના સંકેત મળે છે. પરંતુ ભારતમાં બેરોજગારી દર ઘટવા પાછળનું કારણ લોકોને રોજગારી મળી હોવાનું નહીં, પણ રોજગારીની શોધ જ બંધ કરી દેવાનું છે.
વિવિધ ક્ષેત્રોમાં ભરતીનું પ્રમાણ ઘટ્યું
ઑફિસ કર્મચારીઓની ભરતી 2024ની તુલનામાં 1.4 ટકા ઘટી છે. ત્યારબાદ રિટેલ સેક્ટર, ઓઇલ-ગેસ અને શિક્ષણ જેવા સેક્ટર્સમાં પણ ભરતીનું પ્રમાણ ઘટ્યું છે. 2024ની તુલનાએ રિટેલ સેક્ટરમાં 13 ટકા, ઓઇલ-ગેસમાં 10 ટકા, અને શિક્ષણ ક્ષેત્રમાં 14 ટકા અને આઇટી સેક્ટરની ભરતીમાં 3 ટકા ઘટાડો જોવા મળ્યો છે. સરકારે 2024-25માં ઈ-માર્કેટ પ્લેસ મારફત 10 લાખથી વધુ ભરતીની સુવિધા આપી હતી. આ પ્લેટફોર્મ પર 33 હજારથી વધુ સર્વિસ પ્રોવાઇડર્સને લોકોને લઘુતમ મજૂરી અને નિશ્ચિત પેમેન્ટ જેવા અનેક માપદંડોના આધારે નિમણૂક કરે છે. તેમ છતાં સરકાર બેરોજગારીની લડાઈમાં નિષ્ફળ રહી છે.
બેરોજગારોની સંખ્યા મહિને 10 લાખ વધી
સામાન્ય રીતે બેરોજગારોની સંખ્યામાં દર મહિને લગભગ 10 લાખનો વધારો થાય છે. માર્ચ 2021થી માર્ચ 2025ની વચ્ચે દર મહિને સરેરાશ 9.9 લાખ લોકો બેરોજગારોની યાદીમાં ઉમેરાયા હતા. પરંતુ હવે જે આંકડા આવ્યા છે તે મુજબ બેરોજગારોની સંખ્યામાં ઘટાડો થયો છે. CMIE અનુસાર, 15 વર્ષથી 59 વર્ષની વયના લોકો વર્કિંગ એઇજ ગ્રૂપમાં આવે છે. તેનો અર્થ એ છે કે આ એવા લોકો છે જેઓ દેશના શ્રમબળમાં યોગદાન આપી શકે છે, જો તેમની પાસે રોજગારીની તકો હોય. ગયા વર્ષની સરખામણીમાં કામકાજની ઉંમરના લોકો માટે રોજગારમાં પણ ઘટાડો થયો છે. જો આપણે તેના આંકડાઓ પર નજર કરીએ તો, ડિસેમ્બર 2024માં, દેશમાં કામ કરતી વયના 38 ટકાથી વધુ લોકો પાસે રોજગાર હતો. માર્ચ 2025માં આ સંખ્યા ઘટીને 37.7 ટકા થઈ ગઈ.