Chandipura Virus: ચોમાસાની ઋતુમાં બાળકોને તાવ, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થતી હોય છે. આ સ્થિતિમાં મોટાભાગે માતા પિતા બાળકને આરામ કરાવે છે અને દવાઓની મદદથી તાવ મટાડવાના પ્રયત્નો શરૂ કરે છે. પરંતુ હવે સ્થિતિ અલગ છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાવવા લાગ્યા છે અને તેના કારણે ત્રણ બાળકોના મોત પણ થયા છે. આ સ્થિતિમાં બાળકને આવેલો તાવ આ ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. તેથી માતા પિતાએ બાળકમાં તાવ સહિતના કેટલાક લક્ષણોને ઇગ્નોર કરવા નહીં.
ચાંદીપુરા આ વાયરસ ચિંતાનો વિષય બની ગયો છે તેનું કારણ છે કે આ વાયરસ ખૂબ જ ઝડપથી બાળકને ગંભીર સ્થિતિમાં પહોંચાડી દે છે. ડોક્ટરોનું કહેવું છે કે બાળકોમાં દેખાતા કેટલાક લક્ષણો પર સમયસર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે જો બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ હોય તો તે ખૂબ જ ઝડપથી મગજને પ્રભાવિત કરી શકે છે. ઘણા કેસમાં સાધારણ વાયરલ ઇન્ફેક્શન જેવા લક્ષણો પણ બે કે ત્રણ દિવસમાં જ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાંદીપુરા વાયરસ ચિંતાનો વિષય એટલા માટે પણ છે કે હાલ તેના માટે કોઈ એન્ટિ વાયરલ ઉપચાર કે રસી ઉપલબ્ધ નથી. તેથી લક્ષણો ઓળખીને તુરંત બાળકની સારવાર કરવી મહત્વપૂર્ણ હોય છે.
ચાંદીપુરા વાયરસ શરીરમાં કેવી રીતે ફેલાય છે ?
ચોમાસા દરમિયાન ચાંદીપુરા વાયરસના કેસ સમયેસમયે માથું ઉચકે છે. આ વાયરસ મુખ્ય રીતે સંક્રમિત સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે. ડોક્ટરોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ દુર્લભ છે એટલા માટે પરિવારે બાળકમાં દેખાતા સંકેતોને ઇગ્નોર કરવા નહીં. કારણ કે ચાંદીપુરા વાયરસ શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે, તેથી શરૂઆતમાં જ બીમારીનું નિદાન થઈ જવું જરૂરી હોય છે. સાધારણ તાવ જેવા લક્ષણો બે દિવસમાં જ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચાંદીપુરા વાયરસ બાળકના મગજને સૌથી ઝડપથી પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાયરસમાં બાળકને શું થાય ?
જો બાળકને ચાંદીપુરા વાયરસ હોય તો બીમારીની શરૂઆતમાં અચાનક તાવ આવે છે. ત્યાર પછી માથાનો દુખાવો, ઉલટી થવી અને થાક જેવી તકલીફો જોવા મળે છે. આ રોગ ઝડપથી મગજ સુધી ફેલાઈ જાય છે જેના કારણે બાળકને બેચેની અને ખેંચ આવવી અને બેભાન થઈ જવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. બાળકને યોગ્ય સારવાર ન મળે તો બાળકો કોમામાં જઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આ બધું જ લક્ષણો દેખાયાની શરૂઆતથી 48 થી 72 કલાકની અંદર થઈ જાય છે. તેના પરથી સમજી શકાય છે કે આ વાયરસ શરીરમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.
બાળકમાં આ લક્ષણ દેખાય તો તુરંત સારવાર શરૂ કરાવો
ઉપર જણાવેલા લક્ષણો બાળકોમાં જણાય તો તુરંત જ તેને સારવાર અપાવવી જરૂરી હોય છે. તેથી વિલંબ કર્યા વિના બાળકને નજીકની હોસ્પિટલમાં લઈ જવું અને તેની સારવાર શરૂ કરાવવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)