સુરતના ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં મોટી દુર્ઘટના, પાણી ભરેલા ખાડામાં પડતાં 2 અને 3 વર્ષના ભાઈ-બહેનનું મોત

By: Nation Gujarat Team
17 Oct, 2026

Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નિર્માણાધીન સાઇટ પર રમી રહેલા શ્રમિક પરિવારના બે બાળકો લિફ્ટ માટે ખોદવામાં આવેલા પાણીથી ભરેલા ખાડામાં ખાબક્યા હતા. પાણીમાં ડૂબી જવાથી 3 વર્ષના બાળક અને 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

માતા-પિતા મજૂરીકામ કરતા હતા અને બાળકો રમતાં રમતાં ખાડામાં પડ્યા

મળતી માહિતી અનુસાર, ભેસ્તાન સ્થિત ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર 41 થી 43માં બાંધકામની કામગીરી ચાલી રહી છે. અહીં શુક્રવારે (16મી ઓક્ટોબર) શ્રમિક પરિવાર મજૂરીકામ કરી રહ્યો હતો. સાંજના સમયે માતા-પિતા સાઇટ પર કામમાં વ્યસ્ત હતા, આ દરમિયાન તેનો 3 વર્ષીય પુત્ર અલ્કેશ કટારા અને 2 વર્ષીય પુત્રી રીટા કટારા નજીકમાં રમી રહ્યા હતા.

રમતાં રમતાં બંને બાળકો સાઇટ પર લિફ્ટ ઇન્સ્ટોલ કરવા માટે ખોદવામાં આવેલા મોટા ઊંડા ખાડા પાસે પહોંચી ગયા હતા, જેમાં પાણી ભરાયેલું હતું. અંધારા કે અસંતુલનને કારણે બંને બાળકો અચાનક આ પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા. ઘણો સમય સુધી બાળકો ન દેખાતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જ્યાં આખરે લિફ્ટના ખાડામાંથી મળી આવ્યા હતા.

હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ અલ્કેશ અને રીટાને મૃત જાહેર કર્યા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score