ધારાસભ્ય ચૈતર વસાવાને ફોરેસ્ટ ઓફિસર પર હુમલો અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. જેમાં નર્મદા કોર્ટના હુકમ સામે સ્ટે લેવા MLA ચૈતર વસાવા હાઈકોર્ટના શરણે ગયા છે. નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે IPCની કલમ 143, 14,1 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એકટની કલમ 25 વગેરે મુજબ ગુન્હો નોંધ્યો હતો. નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી.
ઉપરોક્ત દોષિત ઠરેલા આરોપીઓ પૈકી ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ, જામીન અને નર્મદા કોર્ટના હુકમ ઉપર સ્ટે માંગતી અરજી દાખલ કરી છે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં 5 ઓગસ્ટે સુનવણી યોજાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાઇકોર્ટે શકુંતલા વસાવા સહિત 5 આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આ ઘટનામાં તેઓ મુખ્ય આરોપી નહોતા કે તેઓએ કોઈને ઇજા પહોંચાડી નથી.
સમગ્ર મામલો શું છે?
અગાઉ આ જ કેસમાં નર્મદા કોર્ટના ચુકાદા પહેલાની જામીન અરજીઓમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યું હતું. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ચૈતર વસાવાએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું, બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી ATM દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી.MLA ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષિતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ હાઈકોર્ટે 22 જુલાઈ, 2026 શંકુતલા વસાવા સહિત 5 દોષિતને જામીન આપ્યા હતાં.