Ahmdabad News: ગુજરાતમાં 31 ડિસેમ્બરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષને વધાવવા માટે શહેરમાં લોકો ભેગા થાય છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે ગુજરાત પોલીસે કમર કસી લીધી છે. 31st ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે તેના માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે..
પોલીસ બંદોબસ્ત અને ટેકનોલોજીનો ઉપયોગ
આગામી 31Stની રાત્રે સમગ્ર અમદાવાદ શહેરમાં 9000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. જી હા….આ બંદોબસ્તમાં DCP અને ACP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સીધું માર્ગદર્શન આપશે. ખાસ કરીને સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. પોલીસ જવાનોના યુનિફોર્મ પર 2560 બોડી વોર્ન કેમેરા હશે જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય. તાત્કાલિક પ્રતિસાદ માટે 123 PCR વાન અને 9 QRT ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત રહેશે. 39 સ્પીડ ગન દ્વારા વધુ પડતી ગતિ પર અને 4 BDDS (બોમ્બ સ્ક્વોડ) દ્વારા તપાસ કરવામાં આવશે.
દારૂ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં 31 ડિસેમ્બરે રાત્રે નશાની હાલતમાં વાહન ચલાવનારાઓ સામે પોલીસ લાલ આંખ કરશે. આ માટે શહેરમાં 443 બ્રેથ એનાલાઈઝર સાથે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત રહેશે. ડ્રગ્સ અને દારૂની હેરાફેરી રોકવા માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર 14 ચેકપોસ્ટ અને કુલ 63 જેટલા પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે.
મહિલાઓની સુરક્ષા અને ટ્રાફિક ડાયવર્ઝન
મહિલાઓની સુરક્ષા માટે ખાસ 71 ‘શી ટીમ’ (She Team) મેદાનમાં ઉતારવામાં આવશે, જે રોમિયોગીરી કરનારા તત્વો પર નજર રાખશે.
ટ્રાફિકમાં ફેરફાર:
31 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાથી રાતના ૩ વાગ્યા સુધી શહેરના મુખ્ય રસ્તાઓ પર ડાયવર્ઝન રહેશે. જેમાં ખાસ કરીને સિંધુભવન રોડ અને CG રોડ: સાંજના સમયથી વાહનોની અવરજવર માટે આ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. રાજપથ ક્લબ પાસે અને અન્ય મહત્વના જંકશન પર ટ્રાફિક પોલીસનો ચુસ્ત પહેરો રહેશે.