જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વિશ્વકપ ટુર્નામેન્ટ હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભારીતય ક્રિકેટ બોર્ડ દ્વારા ફેન્સ માટે એક મહત્વની જાહેરાત કરી છે. ક્રિકેટના ચાહોકની ફરિયાદ બીસીસીઆઇ એ સાંભળી લીધી છે અને તેનું નિવારણ કરી દીધુ છે. હવે ક્રિકેટ ચાહકોને નિરાશ નહી થવું પડે. ભારતમાં યોજાનાર ICC ODI વર્લ્ડ કપ 2023માં દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. વર્લ્ડ કપની મેચો માટે રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. દરમિયાન, BCCIએ ક્રિકેટ ચાહકોને મોટી સુવિધા આપવાની જાહેરાત કરી છે. BCCI એ વર્લ્ડ કપ 2023 માટેની ટિકિટના વેચાણ માટે BookMyShow ને તેના સત્તાવાર ભાગીદાર તરીકે જાહેર કર્યું છે. બીસીસીઆઈએ કહ્યું છે કે ટિકિટના વેચાણની પ્રક્રિયા સાવધાનીપૂર્વક કરવામાં આવશે. ચાહકો 25 ઓગસ્ટથી ભારત સિવાય અન્ય તમામ ટીમોની મેચોની ટિકિટ ખરીદી શકશે. તે જ સમયે, ભારતની મેચોનું વેચાણ 30 ઓગસ્ટથી શરૂ થશે. આ સાથે ઘરે બેઠા ટિકિટ મંગાવવાની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.
ક્રિકેટ ચાહકો 1લી સપ્ટેમ્બરથી 22મી ઓક્ટોબર સુધી ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ધર્મશાલા), 29મી ઓક્ટોબરે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ (લખનૌ) અને 2જી નવેમ્બરે ભારત વિરુદ્ધ શ્રીલંકા (મુંબઈ)ની ટિકિટ ખરીદી શકે છે. તે જ સમયે, તમે 2 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (કોલકાતા) અને 12 નવેમ્બરે ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ (બેંગલુરુ)ની મેચની ટિકિટ ખરીદી શકશો.
3 સપ્ટેમ્બરથી ભારત-પાક મેચની ટિકિટ ખરીદો
જ્યારે 3 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી, તમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેગા-મૅચની ટિકિટ ખરીદી શકશો. આ સિવાય ક્રિકેટ ચાહકો 15 સપ્ટેમ્બરથી સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ખરીદી શકશે. ટિકિટનું વેચાણ IST સવારે 8:00 વાગ્યે શરૂ થશે.
ઘરે બેસીને ટિકિટ ઓર્ડર કરી શકશે
બીસીસીઆઈએ ચાહકોને ટિકિટ બુક કરાવ્યા પછી ઘરે બેઠા કુરિયરથી ટિકિટ મેળવવાની સુવિધા પણ આપી છે. કુરિયર સુવિધાનો લાભ લેનારા ક્રિકેટ ચાહકોએ 140 રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે. કુરિયર વિકલ્પ તે લોકો માટે લાગુ થશે જેઓ નિર્ધારિત મેચના 72 કલાક પહેલા ટિકિટ ખરીદે છે. જણાવી દઈએ કે આ વખતે બીસીસીઆઈએ ઈ-ટિકિટની સુવિધા આપી નથી.