Canada Military Base Fire : કેનેડાના સૈન્ય મથકમાં ભીષણ આગ, અનેકનાં મોત; ઘણા લોકો ઘાયલ

By: Nation Gujarat Team
18 Oct, 2026

Canada Military Base Fire: કેનેડાના અલ્બર્ટા (Alberta) પ્રાંતમાં આવેલા વેનરાઇટ સૈન્ય મથક (CFB Wainwright) ખાતે ગંભીર ઘટના બાદ ભીષણ આગ ફાટી નીકળતાં અનેક લોકોનાં મોત થયાં છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. કેનેડાના સંરક્ષણ મંત્રી ડેવિડ મેકગિન્ટી (David McGuinty)એ જાનહાનિની પુષ્ટિ કરી છે. જોકે મૃતકો અને ઘાયલોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

ભારે પવનના કારણે આગ વિકરાળ બની

કેનેડાના અલ્બર્ટા પ્રાંતમાં શનિવારે, 17 ઓક્ટોબરે વેનરાઇટ મિલિટરી બેઝ (Wainwright Military Base) ખાતે આ દુર્ઘટના બની હતી. ઘટના બાદ લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે પવનના કારણે આગ સૈન્ય મથકની બહાર આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓને સતર્ક કરવામાં આવી હતી.

વડાપ્રધાન માર્ક કાર્નીએ વ્યક્ત કર્યું દુઃખ

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney)એ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અલ્બર્ટા પ્રાંતની સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. અલ્બર્ટાના પ્રીમિયર ડેનિયલ સ્મિથ (Danielle Smith)એ પણ ઘટનાને દુઃખદ ગણાવી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

 

આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ

ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અને સૈન્ય અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વેનરાઇટ સૈન્ય મથક કેનેડાનું મહત્વપૂર્ણ લશ્કરી તાલીમ કેન્દ્ર છે, જ્યાં સૈનિકોને યુદ્ધ અને વિવિધ સુરક્ષા પરિસ્થિતિઓનો સામનો કરવા તાલીમ આપવામાં આવે છે. આ દુર્ઘટનાને પગલે સૈન્ય કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ચિંતાનો માહોલ છે. અધિકારીઓ દ્વારા જાનહાનિ અને આગના કારણો અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score