IRCC Alert on Visa: કેનેડામાં અભ્યાસ અથવા નોકરી માટે જવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)એ વિઝા અને પરમિટ સંબંધિત છેતરપિંડીથી સાવધાન રહેવા માટે ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કામદારોને સોશિયલ મીડિયા, એજન્ટો અને નકલી દસ્તાવેજો દ્વારા થતી છેતરપિંડીથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કેનેડામાં અભ્યાસ અથવા કામ કરવા માટે વિઝા અને પરમિટ માટે અરજી કરે છે. આ દરમિયાન કેટલાક લોકો ખોટા એજન્ટો અથવા કૌભાંડકારીઓના સંપર્કમાં આવીને લાખો રૂપિયા ગુમાવી બેસે છે. આવા કૌભાંડો ઘણી વખત એટલી સાવધાનીથી કરવામાં આવે છે કે તે શરૂઆતમાં સંપૂર્ણપણે સાચા લાગે છે. લોકોની વિદેશ જવાની ઉતાવળ અને અપેક્ષાનો લાભ લઈને તેમની પાસેથી પૈસા અથવા અંગત માહિતી મેળવવામાં આવે છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને IRCCએ લોકોને વિઝા છેતરપિંડીના સંભવિત સંકેતો ઓળખવાની સલાહ આપી છે. IRCCના જણાવ્યા અનુસાર, વિઝા અથવા પરમિટ માટે અરજી કરતી વખતે નીચેની ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સોશિયલ મીડિયા દ્વારા IRCCના નામે સંપર્ક: IRCCએ સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર ઇમિગ્રેશન પ્રક્રિયા માટે Instagram, Facebook, WhatsApp અથવા X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવતો નથી. કૌભાંડકારીઓ ઘણી વખત IRCCના અધિકારી હોવાનો દાવો કરીને લોકોને મેસેજ કરે છે અને તેમની પાસેથી પૈસા અથવા અંગત માહિતી માંગે છે. તેથી આવા કોઈપણ મેસેજ અથવા ઓફર પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્તાવારતા ચકાસવી જરૂરી છે.
વિઝા અથવા નોકરીની ગેરંટી આપીને રોકડની માંગ: કોઈ વ્યક્તિ કે એજન્ટ તમને કેનેડાનો વિઝા અથવા નોકરી મળવાની 100 ટકા ગેરંટી આપી શકતો નથી. વિઝા અરજી અંગેનો અંતિમ નિર્ણય અધિકૃત કેનેડિયન ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ રસીદ વિના રોકડ રકમ માંગે અને તેના બદલામાં વિઝા અથવા નોકરીની ખાતરી આપે, તો તે છેતરપિંડીનો સંકેત હોઈ શકે છે.
વ્યક્તિગત ખાતામાં ચુકવણીની માંગ: કેનેડિયન સરકારી અધિકારીઓ તમને કોઈ વ્યક્તિગત બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા અથવા ખાનગી મની ટ્રાન્સફર સેવાનો ઉપયોગ કરવા માટે કહી શકતા નથી. તેવી જ રીતે, સરકારી અધિકારીઓ ફોન પર ધમકી આપીને તાત્કાલિક ચુકવણી કરવા માટે દબાણ કરતા નથી. IRCC સાથે સંકળાયેલા હોવાનો દાવો કરનાર વ્યક્તિ જો Gmail, Yahoo અથવા Hotmail જેવા સામાન્ય ફ્રી ઇમેઇલ એકાઉન્ટથી સંપર્ક કરે અને પૈસાની માંગ કરે, તો સાવધાન રહેવું જોઈએ.
ખોટા અથવા શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા એજન્ટોથી સાવધાન: વિઝા અથવા પરમિટ પ્રક્રિયા દરમિયાન મળતા દસ્તાવેજોમાં જોડણીની ભૂલો, માહિતીમાં અસંગતતા, ખોટી વિગતો અથવા અપ્રોફેશનલ ફોર્મેટ જોવા મળે તો તેને અવગણશો નહીં. આવા દસ્તાવેજો નકલી હોવાની શક્યતા હોઈ શકે છે. કોઈપણ ઇમિગ્રેશન એજન્ટ અથવા પ્રતિનિધિ સાથે કામ કરતા પહેલાં તે અધિકૃત અને લાઇસન્સ પ્રાપ્ત છે કે નહીં તેની તપાસ કરવી મહત્વપૂર્ણ છે.
IRCCએ લોકોને સલાહ આપી છે કે વિઝા અથવા પરમિટ માટે અરજી કરતી વખતે કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. ખાસ કરીને સોશિયલ મીડિયા પર મળતી વિઝા ઓફર, નોકરીની ગેરંટી અથવા ઝડપથી પરમિટ અપાવવાના વાયદાથી સાવધાન રહેવું જોઈએ. જો તમે કેનેડામાં અભ્યાસ અથવા નોકરી માટે અરજી કરી રહ્યા છો, તો તમારી અરજી સંબંધિત માહિતી અને ચુકવણીની પ્રક્રિયા માત્ર અધિકૃત સ્ત્રોતો દ્વારા જ તપાસો. કોઈ શંકાસ્પદ વ્યક્તિ, એજન્ટ અથવા મેસેજ મળે તો તેની સત્તાવાર માહિતી સાથે ચકાસણી કર્યા વિના કોઈ દસ્તાવેજ, પૈસા અથવા વ્યક્તિગત માહિતી શેર કરવી નહીં.
IRCCએ વિઝા છેતરપિંડી ઓળખવા અને તેનાથી બચવા માટે માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ કરાવી છે. કેનેડાના વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ, કામદારો અને અન્ય અરજદારો માટે આ સાવચેતી ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે યોગ્ય સમયે ચકાસણી કરવાથી મોટી આર્થિક છેતરપિંડીથી બચી શકાય છે.