નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણે રજૂ કરેલું આ સાતમું બજેટ હતું. આ બજેટમાં નાણામંત્રીએ કરદાતાઓને મોટી ભેટ આપી છે. આ બજેટમાં સામાન્ય માણસને શું મળ્યું છે તે અમુક મુદ્દાઓ પરથી સમજીએ.
પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. નવી ટેક્સ વ્યવસ્થાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેનાથી કરદાતાઓને 17,500 રૂપિયા સુધીની બચત થશે.
મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે.
એનપીએસમાં એમ્પ્લોયર દ્વારા કરાયેલા યોગદાનને કર્મચારીના પગારના 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
સોનું અને ચાંદી સસ્તું થશે, આના પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા કરવાની દરખાસ્ત છે.
કેન્સરના દર્દીઓને રાહત આપતા વધુ ત્રણ દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે.
મોબાઈલ ફોન, મોબાઈલ PCBA અને મોબાઈલ ચાર્જર સસ્તા થશે, બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
પીએમ આવાસ યોજના અર્બન 2.0 હેઠળ, 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને લાભ મળશે.
5 વર્ષમાં 1 કરોડ યુવાનોને કૌશલ્ય તાલીમ એટલે કે દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ મળશે. 5 હજારના માસિક માનદ વેતન સાથે 12 મહિનાની પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગામ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી 63 હજાર ગામોના 5 કરોડ આદિવાસી લોકોને ફાયદો થશે.
સરકાર યુવાનોને તેમની પ્રથમ નોકરી માટે પ્રથમ પગાર આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપનારું બજેટ છે. આ એક એવું બજેટ છે જે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે જે સૈનિકોને અગણિત નવી તકો પ્રદાન કરશે. આ બજેટ શિક્ષણ અને કૌશલ્યને નવો સ્કેલ આપશે. આ એક એવું બજેટ છે જે મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. તે આદિવાસી સમાજ, દલિતો, પછાત લોકોના સશક્તિકરણ માટે મજબૂત યોજનાઓ સાથે આવી છે.
આર્થિક વિકાસને નવી ગતિ મળશે
PM એ કહ્યું કે આ બજેટ નાના વેપારીઓ અને MSME ને તેમની પ્રગતિ માટે નવો માર્ગ પ્રદાન કરશે. બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે. પીએમએ કહ્યું કે રોજગાર અને સ્વ-રોજગાર માટે અભૂતપૂર્વ તકો પૂરી પાડવી એ અમારી સરકારની ઓળખ રહી છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે.
પ્રથમ પગાર સરકાર તરફથી મળશે
પીએમએ કહ્યું કે દેશ અને દુનિયાએ PLI યોજનાની સફળતા જોઈ છે. સરકારે બજેટમાં રોજગાર સંબંધિત પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર પ્રથમ નોકરી મેળવનાર યુવાનોનો પ્રથમ પગાર આપશે. એક કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ યોજના થકી ગામડાના ગરીબ યુવાનો પણ દેશની ટોચની કંપનીઓમાં રોજગાર મેળવી શકશે. આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગ સાહસિકો બનાવવાના છે. આ હેતુ માટે ગેરંટી વિના મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનાથી સ્વરોજગારમાં વધારો થશે.