Jignesh Mevani and IPS Pandian: દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે તુ-તુ-મૈં-મૈં થઇ હતી. મોબાઇલ ફોન બહાર મૂકીને આવો તેમ કહેતાં પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ મામલે જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૈાધરીને રજૂઆત કરીકે, ધારાસભ્ય સાથે ગેરવર્ણતૂક કરનારાં ઉચ્ચ પોલીસ અધિકારી વિરુઘ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરો.
ધારાસભ્ય સાથે ગેરવર્ણતૂક કરતા IPS વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરો
મંગળવારે બપોરે સાડા બાર વાગે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના ચેરમેન હિતેશ પીઠડીયા દલિતોના પ્રશ્નોની રજૂઆત કરવા એડીશનલ ડીજી રાજકૂમાર પાંડિયને મળવા પહોચ્યા હતાં.
જ્યાં પાંડિયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મોબાઇલ ફોન બહાર મૂકીને આવો, આ મામલે મેવાણીએ એવી દલીલ કરી કે, સરકારનો કોઇ પરિપત્ર હોય તો દેખાડો, મોટાભાગે ધારાસભ્યને સરકારી વિભાગો-કચેરીમાં મોબાઇલ ફોન લઇ જવાની છૂટ છે. આ મામલે પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
ધારાસભ્ય મેવાણીએ આક્ષેપ કર્યો કે, ઉચ્ચ પોલીસ અધિકારી ચૂંટાયેલાં જનપ્રતિનિધિ સાથે ગેરવર્તણૂક કરે તે યોગ્ય નથી. પોલીસને જાણે દલિતોના પ્રશ્ન સાંભળવામાં જ રસ નથી. જો દલિતોના પ્રશ્ન સાંભળવામાં નહી આવે તો, હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવાની ફરજ પડશે.
મેવાણીનું કહેવુ છે કે, પાંડિયને ત્યાં સુધી કહ્યું કે, તું ધારાસભ્ય છે છતાં ટી-શર્ટ પહેરીને આવે છે. આમ, પ્રોટોકોલનો ભંગ કરી જાહેરમાં ધારાસભ્યને અપમાનિત કરવા આઇપીએસ જાણીબૂઝીને પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ મેવાણીએ વિધાનસભા અઘ્યક્ષને લેખિત પત્ર આપીને રાજકુમાર પાંડિયન વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવા માંગ કરી હતી. દરમિયાન રાજકુમાર પાંડિયને કહ્યું કે, ધારાસભ્ય મેવાણી કચ્છના મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતાં. સરકારી કચેરીમાં ઉચ્ચ અધિકારી સાથે કેવું વર્તન કરવું જોઇએ તેનાથી વિપરીત વર્તન ધારાસભ્યએ કર્યુ હતું.
હું તેમની રજૂઆત સાંભળવા તૈયાર હતો પણ મોબાઇલ ફોન મુદ્દે બોલાચાલી થઇ હતી. આ તરફ, ગૃહ સચિવે મનોજ દાસે એવી પ્રતિક્રિયા આપી કે, મને આ મામલે કોઇ લેખિત રજૂઆત મળી નથી. જયારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સંપર્ક થઇ શક્યો ન હતો.