બોટાદ જિલ્લામાં અને ઉપરવાસના પંથકોમાં વિતેલા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે લોકલ નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. બરવાળામાંથી પસાર થતી નાની-મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે બરવાળા ગામમાં ઉતાવળી નદીના કુંડળ દરવાજા પાસે આવેલા કોઝવે પર એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી વિગતો અનુસાર, ગત રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે ઉતાવળી નદીનો કોઝવે પૂરના પાણીથી ભયજનક સપાટીએ વહી રહ્યો હતો. આ ધસમસતા પાણી વચ્ચેથી એક છકડો રિક્ષા (ટેમ્પો) ચાલક પોતાનું વાહન લઈને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પાણીનો પ્રવાહ અને વેગ એટલો ભયાનક હતો કે છકડો રિક્ષા ક્ષણવારમાં બેલેન્સ ગુમાવીને ઉતાવળી નદીના ઊંડા પૂરના પાણીમાં ગરકાવ થઈને તણાઈ ગઈ હતી.
ઘટના બની ત્યારે રાત્રિના અંધકારના કારણે પાણીમાં ઉતરવું કે શોધખોળ કરવી અત્યંત મુશ્કેલ અને ભયજનક બની હતી. આથી આજે વહેલી સવાર પડતાં જ બરવાળા પોલીસ સ્ટેશનનો કાફલો, બરવાળા નગરપાલિકાના ફાયર ફાઇટરો અને જિલ્લા વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને બોટાદથી ખાસ બોટ સાથેની રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.
હાલમાં બોટાદની વિશિષ્ટ રેસ્ક્યૂ ટીમ દ્વારા બોટ મારફતે ઉતાવળી નદીના વહેણમાં કિલોમીટરો સુધી ચાલક અને છકડા રિક્ષાનો પત્તો લગાવવા માટે ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, બનાવને 12 કલાકથી વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી છકડો કે તેના ચાલક અંગે કોઈ સુરાગ સાંપડ્યો નથી. તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.