તા. ૨૬ માર્ચથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે સંતો દ્વારા સર્વ ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા સારી રીતે પસાર થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, બોર્ડના વિદ્યાર્થીઓએ ભયને ભગાડી નિર્ભય રહેવું જોઈએ અને હિંમત રાખી હસતાં રહેવું જોઈએ. પરીક્ષાનો ડર કાઢી નાંખવો જોઈએ. ચિંતા છોડી ભગવાનનું ચિંતવન કરશો તો ભગવાન અવશ્ય સહાય કરશે. તમારી સાથે ભગવાન છે, એવો વિશ્વાસ રાખો. ભગવાન તમને અવશ્ય સફળતા અપાવશે જ એવી હિંમત રાખીને પરીક્ષા આપજો.
કોઈપણ કાર્યની સિદ્ધિ માટે બે હાથની જરુર પડે છે તેમ કોઈ પણ કાર્યની સફળતા પ્રાપ્ત કરવા માટે પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપાની જરુર પડે છે.
ઉનાળાના સમયમાં રણમાં ઝાંઝવાના નીર કહેતાં પાણી આપણને દેખાય છે. વાસ્તવિક, તે પાણી હોતું નથી પણ દેખાય છે, તો વિદ્યાર્થીઓએ પોતામાં પાણી નથી છતાં દેખાડે છે, જ્યારે તમારામાં તમે વર્ષ દરમ્યાન મહેનત કરી છે તો હવે તો પરીક્ષામાં હિંમત રાખીને તમારામાં જે પાણી છે તો દેખાડી દો. ઢીલા ના પડશો.
શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપા અને સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી તમને પરીક્ષામાં લખવા માટે દિવ્ય બળ – બુદ્ધિ અને શક્તિ અર્પે. તમોએ વર્ષ દરમ્યાન મહેનત કરી છે તેનું તમને યોગ્ય ફળ આપે એવી અમો પ્રાર્થના કરીએ છે.