Congress vs BJP Controversy on George Soros | ભાજપે કોંગ્રેસના નેતાઓના ભારત વિરોધી જ્યોર્જ સોરોસ સાથે સંબંધો હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવી દીધો છે ત્યારે કોંગ્રેસે વળતો પ્રહાર કરીને વિદેશ મંત્રી એસ. જયશંકરનું સોરોસ સાથેનું કનેક્શન શોધી કાઢયું છે. કોંગ્રેસે આક્ષેપ મૂક્યો છે કે, જયશંકરના પુત્ર ધ્રુવ જયશંકર જ્યોર્જ સોરોસના ટ્રસ્ટ પાસેથી લાખો ડોલરનું ફંડ મેળવનારી એસ્પેન ઈન્સ્ટિટયુટમાં નોકરી કરતા હતા અને તેમની પાસેથી લાખો ડોલરનો પગાર લીધો છે. કોંગ્રેસે સવાલ કર્યો છે કે, એસ જયશંકરના પુત્રનું એસ્પેન ઇન્સ્ટિટયૂટ અને જર્મન માર્શલ ફંડ સાથે શું કનેક્શન છે? જ્યોર્જ સોરોસ સાથે આ બંને સંસ્થાઓનો શું સંબંધ છે?
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, વિપક્ષ ગૌતમ અદાણી સામેના આક્ષેપોનો મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે.
આ મામલે ભાજપનું મૌન ગુનેગારની જેમ વિગતો છુપાવવાના ઈરાદાથી ઉપજ્યું છે.
પવન ખેરાએ કેન્દ્રીય મંત્રી એસ જયશંકરના પુત્ર ધ્રુવ શંકર અને વોશિંગ્ટનની એસ્પેન ઇન્સ્ટિટયૂટ વચ્ચેના સંબંધો અંગે સવાલ ઉઠાવતાં હવે આ મુદ્દો પણ સંસદમાં ગાજશે એવું લાગે છે.
ભાજપના નેતા તરુણ ચુગે કોંગ્રેસ અને વિશેષ તો સોનિયા અને રાહુલ ગાંધી પર જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે સાંઠગાંઠ કરીને ભારતની એકતાને સંઅસ્થિર કરવાનો આક્ષેપ મૂક્યો છે. ખેડાએ ભાજપના આક્ષેપોનો જવાબ આપતાં કટાક્ષ કર્યો કે, ભાજપને લાગે છે કે સોરોસનું નામ લઈને કોંગ્રેસના નેતાઓને ફસાવી દેવાશે પણ અમારે કઈ છૂપાવવાનું નથી. છૂપાવવાનું ભાજપે છે એટલે અદાણીને મુદ્દે ચૂપ છે અને સોરોસનો મુદ્દો ઉઠાવે છે.
જયશંકરના પુત્ર ધ્રુવ જયશંકર અમેરિકામાં ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશન (ર્ંઇખ)માં એક્ઝીક્યુટિવ ડિરેક્ટર છે. ધ્રુવ ૨૦૧૮થી ઓબ્ઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનમાં કામ કરે છે. ઓઆરએફની સ્થાપના ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ધીરુભાઈ અંબાણીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી, અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વર્ષોથી તેની સૌથી મોટી દાતા છે. થિંક ટેન્ક સ્વતંત્ર અને સ્વાયત્ત હોવાનો દાવો કરે છે પણ રિલાયન્સ સાથે નાણાકીય અને ઓપરેશનલ બંને સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
ધ્રુવ જયશંકર આ પહેલાં એસ્પેન ઈન્સ્ટિટયુટમાં કામ કરી ચૂક્યા છે. એસ્પેન ઈન્સ્ટિટયુટને જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ઈન્સ્ટિટયુટ તરફથી જંગી રકમનાં દાન મળ્યાં છે. જયશંકર ૨૦૧૩થી ૨૦૧૫ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત હતા. એ વખતે તેમણે પોતાના સંબંધોનો ઉપયોગ પોતાના દીકરાને ફાયદો કરાવવા કર્યો હોવાનું પણ કહેવાય છે.