પ્રાંતિજ ભાજપમાં એકસાથે 15 કોર્પોરેટરોનો બળવો : સાગમટે વિરોધના સૂર ઉઠતા ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું

By: Nation Gujarat Team
01 Jun, 2026

Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોએ રાજીનામાં આપતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. મહિલા પાલિકા પ્રમુખ અને તેમના પતિ સામે નારાજ કોર્પોરેટરોએ મોરચો માંડ્યો છે. ભાજપના 15 કોર્પોરેટરોએ સામુહિક રાજીનામું આપી દેતા પ્રદેશ સુધી તેના પડઘા પડ્યા છે. તમામ કોર્પોરેટરના રાજીનામાનો સહીઓ વાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાંતિજ નગરપાલિકામાં મહિલા પ્રમુખ અને તેમના પતિથી કંટાળીને ભાજપના ૧૫ કોર્પોરેટરોએ રાજીનામાં ધર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખને પંદર સભ્યોએ સામુહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે. સામુહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ભડકો ચયો છે. મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાનીના આક્ષેપ કરાયા છે.

ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા કવાયત શરૂ કરાઈ 
પ્રમુખ પદ માટે શરુઆતથી જ ખેંચતાણનો વિવાદનો માહોલ સર્જાયો હતો. આ વચ્ચે એકાએક પંદર સભ્યો સાગમટે વિરોધના સૂરમાં ઉતરતા ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે. સાગમટે વિરોધ પાછળ દોરી સંચાર સહિંતની વિગતો એકઠી કરવા સંગઠન પ્રયાસ કરી રહ્યું છે. ભાજપના આંતરિક સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા કવાયત શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે ૨૪ માંથી ૧૯ બેઠકો છે. ૧૯ પૈકી ૧૫ કોર્પોરેટરોએ પ્રમુખ વિરુદ્ધ રાજીનામાં ધર્યા છે. જેથી મોટો ઉલટફેર સર્જાયો છે.

તો બીજી તરફ, અરવલ્લી જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને કાર્યકર હિરેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી બાદ ભાજપના વ્યક્તિગત નેતાઓ સામે વિરોધ કર્યો છે. ધનસુરા તાલુકા પંચાયતની સીટો પર ભાજપના ઉમેદવારનો બિનહરીફ કરાવવા સિંહ ફાળો છતાં અન્યાયનો આરોપ કરાયો છે. હિરેન પટેલ સહિત 20થી વધુ કાર્યકરોએ જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પહોંચી વિરોધ નોંધવ્યો. રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ભીખુસિંહ પરમારની મરડીયા ખાતેની ઓફિસે હિરેન પટેલ સહિત કાર્યકરો પહોંચ્યા હતા. ધારાસભ્ય ભીખુસિંહ પરમારે હિરેન પટેલનું રાજીનામુ ન લીધું.

રાજીનામા બાબતે મને કોઈ જાણ નથી – પ્રમુખ અનિતા પંડ્યા
તો પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ સામે 15 સદસ્યોની નારાજગીનો મામલે પ્રમુખ અનિતા પંડ્યાએ કહ્યું કે, રાજીનામા બાબતે મને કોઈ જાણ નથી, મીડિયાના માધ્યમ થકી જાણ થઈ છે. વિકાસના કામો અમે બધા સાથે રહીને કરતા આવ્યા છીએ. કોઈ નારાજગી અત્યાર સુધી નહોતી. કારોબારી અધ્યક્ષ સાથે વાત થઈ છે. બીજા સદસ્યો કોઈ વાત થઈ નથી.


Related Posts

Load more