બગદાણાના સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાનો મામલો હવે ગરમાયો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને આ મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
આજે સાંજે 5 વાગ્યે હાજર થવા આદેશ
પ્રાપ્ત વિગતો અનુસાર, SIT એ જયરાજ આહીરને આજે એટલે કે 21મી જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યે રેન્જ ઓફિસ ખાતે હાજર થવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હુમલાનો ભોગ બનનાર નવનીત બાલધિયાએ આ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપોને પગલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે.
PI અને ફરિયાદીની પણ થઈ પૂછપરછ
SIT આ કેસના મૂળ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. જયરાજ આહીરને બોલાવતા પહેલા SIT દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. સોમવારે ફરિયાદી નવનીત બાલધિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસની પ્રાથમિક તપાસમાં જોડાયેલાબે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) ને પણ SIT એ પૂછપરછ માટે બોલાવી તેમની વિગતો નોંધી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત એક નિવેદનથી થઈ હતી અને અંતે હિંસક હુમલામાં પરિણમી હતી. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરે યોગેશભાઈ સાગરને બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. બગદાણાના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને આ બાબતે સાચી માહિતી આપી હતી, જેના પગલે માયાભાઈએ સોશિયલ મીડિયા પર માફી પણ માંગી હતી.
આ ઘટના બાદ ટૂંક સમયમાં, સાતથી આઠ અજાણ્યા શખ્સોએ કારમાં આવીને નવનીત બાલધિયાને રસ્તામાં આંતરી ગંભીર રીતે માર માર્યો હતો. હુમલાનો વીડિયો વાયરલ થતા અને નવનીત બાલધિયાએ હોસ્પિટલના બિછાનેથી નિવેદન આપતા આ હુમલો જયરાજ આહીરના ઈશારે થયો હોવાના આરોપો લાગ્યા હતા.
પોલીસનો ખુલાસો
અગાઉ આ મામલે મહુવાના ડી.વાય.એસપી રીમાબા ઝાલાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રાથમિક તપાસમાં માયાભાઈ કે તેમના પુત્રની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, પીડિતના સતત આક્ષેપો અને મામલાની ગંભીરતા જોતા SIT હવે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આજે સાંજે જયરાજ આહીરની પૂછપરછમાં કયા નવા તથ્યો સામે આવે છે.