Gandhinagar News: કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશભરમાં વીજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવાના ભાગરૂપે તમામ રાજ્યોને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ઝડપી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે દરેક રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને આ આદેશ આપ્યો છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારના નિયમ મુજબ સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાવાશે
રાજ્યમાં હાલ અંદાજે ૧.૭૯ કરોડ વીજ ગ્રાહકો નોંધાયેલા છે, જેમાંથી પ્રથમ અને દ્વિતીય તબક્કામાં અંદાજે 1.20 કરોડ વીજ ગ્રાહકોને આગામી સમયમાં તબક્કાવાર સ્માર્ટ મીટર યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
સુધારા નિયમનો 2026 હેઠળ નિર્ણય ફરજિયાત
કેન્દ્રીય ઊર્જા મંત્રાલયના અન્ડર સેક્રેટરી દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (ઇન્સ્ટોલેશન અને ઓપરેશન ઓફ મીટર્સ) (સુધારા) નિયમનો 2026ની જોગવાઈ મુજબ તમામ વીજ ગ્રાહકોને નિયત સમયમર્યાદામાં સ્માર્ટ મીટર હેઠળ આવરી લેવા જરૂરી છે. આ નિયમો હેઠળ સ્માર્ટ મીટર લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ગ્રાહકો માટે પ્રી-પેઇડ/પોસ્ટ-પેઇડ અને ‘ટાઇમ ઓફ ડે’ રિબેટની સુવિધા
સ્માર્ટ મીટર લાગવાથી વીજ ગ્રાહકો પોતાની સુવિધા મુજબ પ્રી-પેઇડ અથવા પોસ્ટ-પેઇડ વિકલ્પ પસંદ કરીને બિલની ચૂકવણી કરી શકશે. આ ઉપરાંત ગ્રાહકોને ‘ટાઇમ ઓફ ડે’ (Time of Day) હેઠળ વીજ વપરાશ પર રિબેટનો લાભ પણ મળશે. સામાન્ય રીતે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વીજ વપરાશ કરવા પર આ ખાસ રિબેટ મળવાપાત્ર રહે છે.
સમગ્ર દેશ અને ગુજરાતની વર્તમાન સ્થિતિ
રીવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી વીજ ગ્રાહકો તેમજ વીજ વિતરણ કંપનીઓ (યુટિલિટીઝ) બંનેને મોટો ફાયદો થશે. વીજ કંપનીઓ વધુ ચોકસાઈથી એનર્જી એકાઉન્ટિંગ કરી શકશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં અંદાજે 5.60 કરોડ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ સુધીમાં કુલ 59 લાખ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરવામાં આવ્યા છે.
MGVCLમાં 18.40 લાખ નવા ગ્રાહકો આવરી લેવાશે
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના ક્ષેત્રમાં હાલ 14.60 લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર કાર્યરત છે. એમજીવીસીએલ હેઠળ કુલ 33 લાખ વીજ ગ્રાહકો નોંધાયેલા છે, જેમાંથી હવે બીજા 18.40 લાખ ગ્રાહકોને આગામી સમયમાં સ્માર્ટ મીટરથી આવરી લેવાશે. આમ, કંપનીના કુલ ગ્રાહકોમાંથી અંદાજે 55 ટકા ગ્રાહકો પાસે સ્માર્ટ મીટર હશે.
આ ઉપરાંત, MGVCL માં મંજૂર થયેલા 74 ટકા ટ્રાન્સફોર્મરમાં પણ સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. ટ્રાન્સફોર્મર સ્માર્ટ મીટરિંગના કારણે ગ્રીડમાંથી મળેલી વીજળી, ગ્રાહકો સુધી પહોંચેલી વીજળી અને તેના બિલિંગ ડેટાની સચોટ ચકાસણી વીજ કંપનીઓ સરળતાથી કરી શકશે, જેનાથી વીજ ચોરી અને ટ્રાન્સમિશન લોસ પર અંકુશ મેળવી શકાશે.