Ahmedabad-Dholera Expressway: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ૩ મહિનામાં શરૂ કરાશે. આ એક્સપ્રેસ-વે શરૂ થતાં જ સામાન્ય ટ્રાફિકમાં બે કલાકમાં અમદાવાદથી ભાવનગર પહોંચાશે. હાલ આ મુસાફરીમાં ચાર કલાક જેટલો સમય થાય છે.
એક્સપ્રેસ વે શરૂ થતાં બે કલાકમાં અમદાવાદથી ભાવનગર પહોંચી જવાશે
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના નેશનલ હાઈવેના કામોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકના પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-૪૮ના સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.
અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલનપુર-સામખિયાળી કોરિડોરની કામગીરીની ગતિ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનુરોધ કરાયો હતો.